Home Sports India Womens Team Wins Icc World Cup 2025 Icc Announces Big Change

ભારતના ચેમ્પિયન બન્યા પછી ICCનો મોટો નિર્ણય : વર્લ્ડ કપ ફૉર્મેટમાં મોટો ફેરફાર

ભારતના ચેમ્પિયન બન્યા પછી ICCનો મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Nov 07, 2025, 06:24 PM IST

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતે ICC મહિલા વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવતાં પોતાનો પહેલો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો. આ જીત બાદ, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આગામી આવૃત્તિ માટે મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે.

શુક્રવારે યોજાયેલી બોર્ડ બેઠકમાં ICC એ મહિલા વર્લ્ડ કપમાં ભાગ લેતી ટીમોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય માટે ભારત અને શ્રીલંકા દ્વારા આયોજિત વર્લ્ડ કપની સફળતાને મુખ્ય કારણ તરીકે ગણાવવામાં આવ્યું છે.

હવે 10 ટીમો રમશે મહિલા વર્લ્ડ કપમાં

ICC દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, "મહિલા ક્રિકેટની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બોર્ડે ટુર્નામેન્ટને 8 ટીમમાંથી વધારીને 10 ટીમો સુધી કરવાની મંજૂરી આપી છે." 2025ની આવૃત્તિમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો.

રેકોર્ડ તોડ દર્શકો અને પ્રસારણ આંકડા

આ વખતે યોજાયેલ મહિલા વર્લ્ડ કપે દર્શકોના નવા રેકોર્ડ બનાવ્યા. લગભગ 300,000 લોકોએ સ્ટેડિયમમાંથી મેચોનો આનંદ માણ્યો, જ્યારે વિશ્વભરમાં લાખો લોકોએ સ્ક્રીન પર ટુર્નામેન્ટ જોવી.

ભારત અને દક્ષિણ આફ્રિકાની ફાઇનલ મેચ JioHotstar પર 185 મિલિયન લોકોએ જોઈ, જે પુરુષોના T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જેટલી લોકપ્રિય સાબિત થઈ. આખી ટુર્નામેન્ટ દરમિયાન કુલ 446 મિલિયન વ્યૂ નોંધાયા હતા, જેમાં ફાઇનલ મેચે 21 મિલિયન સમકક્ષ વ્યૂ મેળવ્યા.

2029માં યોજાશે આગામી આવૃત્તિ

અગામી મહિલા ODI વર્લ્ડ કપ 2029માં યોજાશે. હજી સુધી તેની યજમાન દેશની જાહેરાત કરવામાં આવી નથી. જો કે, ટીમોની સંખ્યા વધવાથી ટુર્નામેન્ટના ફોર્મેટમાં ફેરફાર થવાની સંભાવના છે.

2025ની આવૃત્તિમાં રાઉન્ડ-રોબિન ફોર્મેટ અપનાવવામાં આવ્યો હતો, જેમાં દરેક ટીમે અન્ય સાત ટીમો સામે એક-એક મેચ રમી હતી. પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી.

ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો. હરમનપ્રીત કૌર અને તેમની ટીમ માટે આ જીત ભારતીય મહિલા ક્રિકેટ માટે એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now