Shreyas Iyer : ક્રિકેટની રમતમાં જ્યારે કોઈ ખેલાડી પોતાની ટીમની કેપ્ટનશિપ સંભાળે છે, તો તેનું સપનું એક યાદગાર જીત સાથે નવી સફરની શરૂઆત કરવાનું હોય છે. કોઈપણ ખેલાડી માટે દેશની ટીમનું નેતૃત્વ કરવું એ ગૌરવની વાત છે, પરંતુ બેલફાસ્ટમાં ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરની સાથે બિલકુલ ઊલટું જોવા મળ્યું છે. આયર્લેન્ડ સામેની T20I મેચમાં જેવો શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે મેદાને ઉતર્યો, તેના ખભા પર ન માત્ર ટીમને જીતાડવાની જવાબદારી હતી, પરંતુ ભારતના એ વિજય રથને આગળ વધારવાનું ભારે પ્રેશર પણ હતું જે છેલ્લા કેટલાય સમયથી અજય લાગી રહ્યો હતો. પરંતુ શ્રેયસ ઐયર પોતાની કેપ્ટનશિપની પહેલી જ મેચમાં હારનો સ્વાદ ચાખનારો કેપ્ટન બની ગયો છે અને તેની સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના કેટલાય મોટા રેકોર્ડ પણ ધરાશાયી થઈ ગયા છે.
ઐતિહાસિક જીત અને ભારતનો ફ્લોપ શો
રમતના આ સૌથી નાના ફોર્મેટમાં આંકડા જેટલા ઝડપથી બદલાય છે, એટલો જ ઝડપથી ઇતિહાસ પણ બદલાય છે. બેલફાસ્ટના મેદાન પર આયર્લેન્ડની ટીમે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. છેલ્લા 17 વર્ષમાં આયર્લેન્ડની ટીમ પહેલીવાર ભારત સામે કોઈ T20 મેચ જીતવામાં સફળ રહી છે. આ મેચમાં ભારતીય ટીમની રણનીતિ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી. કેપ્ટન તરીકે શ્રેયસ ઐયર ન તો બેટિંગમાં કોઈ ખાસ કમાલ કરી શક્યા અને ન તો મેદાન પર તેમના નિર્ણયો સચોટ રહ્યા હતા. આયર્લેન્ડના ખેલાડીઓએ ઘરઆંગણાની પરિસ્થિતિઓનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ભારતીય ટીમને મેચના દરેક વિભાગમાં પાછળ છોડી દીધી હતી.
આ પણ ખાસ વાંચો : માત્ર 5.5 લાખ લોકોનો દેશ, છતાં FIFAમાં કર્યું એવું કે દુનિયા જોતી રહી! : હાર્યા વગર સ્પેન અને ઉરુગ્વેને રોકનાર આ અજેય ટીમ પહોંચી નોકઆઉટ સ્ટેજમાં
અનિચ્છનીય ક્લબમાં શ્રેયસ ઐયરની એન્ટ્રી
ભારતીય ક્રિકેટનો ઇતિહાસ સાક્ષી છે કે, કેપ્ટનશિપનો તાજ દરેક ખેલાડી માટે જીતની ભેટ લઈને આવતો નથી. શ્રેયસ ઐયર આ અણગમતી લિસ્ટમાં જોડાનારો પહેલો ભારતીય કેપ્ટન નથી. તેના પહેલાં પણ ભારતના અનેક દિગ્ગજ અને યુવા ખેલાડીઓ T20 ક્રિકેટમાં પહેલી વખત ટીમની કમાન સંભાળતાં જ હારનો સામનો કરી ચૂક્યા છે. જ્યારે પણ કોઈ નવો કેપ્ટન બને છે ત્યારે ફેન્સને મોટી આશા હોય છે, પરંતુ દબાણની ક્ષણોમાં યુવા કેપ્ટનો ઘણીવાર થાપ ખાઈ જાય છે. હવે આ શરમજનક લિસ્ટમાં શ્રેયસ ઐયરનું નામ પણ હંમેશા માટે ઉમેરાઈ ગયું છે, જે તેમની કરિયર માટે એક મોટો આંચકો ગણી શકાય.
દિગ્ગજો પણ બની ચૂક્યા છે આવી હારનો ભોગ
આધુનિક ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંથી એક ગણાતા વિરાટ કોહલી જ્યારે 2017માં પ્રથમ વખત પૂર્ણકાલીન T20 કેપ્ટન તરીકે કાનપુરમાં મેદાને ઉતર્યા હતા, ત્યારે ઈંગ્લેન્ડે ભારતને હરાવીને તેમની કેપ્ટનશિપની શરૂઆત નિરાશાજનક બનાવી દીધી હતી. આવું જ કંઈક દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પણ જોવા મળ્યું હતું, જ્યાં ઋષભ પંતે કેપ્ટન તરીકે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ સાઉથ આફ્રિકાએ ભારતના વિશાળ સ્કોરનો સફળતાપૂર્વક પીછો કરીને પંતને પ્રથમ જ મેચમાં હાર આપી હતી. ત્યારબાદ યુવા સ્ટાર શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસે ગઈ હતી, ત્યારે હરારેમાં રમાયેલી પ્રથમ મેચમાં યજમાન ટીમે મોટો અપસેટ સર્જીને ગિલની કેપ્ટનશિપની શરૂઆત પણ હારથી કરાવી હતી. હવે બેલફાસ્ટમાં આયર્લેન્ડની વ્યૂહરચના સામે ભારતીય ટીમ નિઃસહાય દેખાતા શ્રેયસ ઐયર પણ આ લિસ્ટમાં આવી ગયો છે.
આ પણ ખાસ વાંચો : સેંથામાં સિંદૂર અને કપાળે બિંદી! : શું હાર્દિકે માહિકા સાથે કરી લીઘા ગુપચુપ લગ્ન? જાણો શું છે હકીકત
12 વિજયી સિરીઝના સુવર્ણ સફરનો અંત
બેલફાસ્ટમાં મળેલી આ હાર માત્ર એક સામાન્ય મેચની હાર નહોતી, પરંતુ તેણે ભારતના લાંબા સમયથી ચાલી આવતા વર્ચસ્વનો પણ અંત લાવી દીધો છે. જાન્યુઆરી 2024 બાદ ભારતીય ટીમે અદભુત પ્રદર્શન કરીને સતત 12 T20I સિરીઝો જીતી હતી. આ 29 મહિનાના લાંબા સમયગાળા દરમિયાન વિશ્વની અનેક મજબૂત અને દિગ્ગજ ટીમો ભારત સામે ઘૂંટણીયે પડી ગઈ હતી. આ અગાઉ ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી, એટલે કે ભારત તે સિરીઝ જીતી શક્યું નહોતું. પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયા સતત અપરાજિત રહીને આગળ વધી રહી હતી.
29 મહિનાની મહેનત પર ફરી વળ્યું પાણી
બેલફાસ્ટમાં મળેલી આ શરમજનક હાર સાથે હવે એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જાન્યુઆરી 2024 બાદ પ્રથમ વખત ભારત કોઈ T20 સિરીઝ જીતવામાં ખરાબ રીતે નિષ્ફળ રહેશે. જે ઐતિહાસિક રેકોર્ડ અને વિજય રથને બનાવવા માટે ભારતીય ટીમના અસંખ્ય ખેલાડીઓએ 29 મહિના સુધી તનતોડ મહેનત કરી હતી, તેના પર શ્રેયસ ઐયરની કેપ્ટનશિપની પહેલી જ મેચમાં પાણી ફરી વળ્યું છે. આ એક હારે ભારતીય ક્રિકેટ ટીમના સતત 12 સિરીઝ જીતવાના સુવર્ણ સફર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને ફેન્સને ભારે નિરાશા આપી છે.





