Home Sports Mpca Ai Cricket Player Selection India

હવે AI કરશે ક્રિકેટરનું ભવિષ્ય નક્કી? : ભારતના આ ક્રિકેટ બોર્ડે લીધો એવો નિર્ણય, જેનાથી બદલાઈ શકે ક્રિકેટનું ભવિષ્ય!

Use of AI in cricket
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 27, 2026, 10:06 AM IST

AI will now be used on a large scale in team selection : આજના આધુનિક યુગમાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં પોતાનો પગપેસારો કરી રહી છે. હવે રમતગમતનું મેદાન પણ તેનાથી બાકાત રહ્યું નથી. ક્રિકેટના ઇતિહાસમાં એક ખૂબ જ મોટો અને ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ક્રિકેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ માત્ર રન, વિકેટ અથવા ખેલાડીઓના પ્રદર્શનના ડેટા એનાલિસિસ કરવા માટે જ થતો હતો. પરંતુ હવે આ ટેકનોલોજી સીધી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. એક ભારતીય સ્થાનિક ક્રિકેટ બોર્ડે ટીમ પસંદગી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવા માટે આ મોટો નિર્ણય લીધો છે, જેનાથી ભવિષ્યમાં ક્રિકેટની રમત સંપૂર્ણપણે બદલાઈ જશે.

MPCA બોર્ડનો ઐતિહાસિક નિર્ણય

મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન એ ક્રિકેટ પ્રશાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો એક મોટો નિર્ણય લીધો છે. MPCA હવે માત્ર ખેલાડીઓની પસંદગીમાં જ નહીં, પરંતુ એસોસિએશનના નાણાકીય સંચાલન અને વહીવટી કાર્યોમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કરશે. આ અંગેની માહિતી આપતા MPCAના પ્રમુખ મહાનર્યમન સિંધિયાએ ઇન્દોરમાં વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ નવી વ્યવસ્થા લાવવાનો મુખ્ય હેતુ પસંદગી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ અથવા પક્ષપાતને સંપૂર્ણપણે દૂર કરવાનો છે, જેથી યોગ્ય પ્રતિભા ધરાવતા ખેલાડીઓને અન્યાય ન થાય.

આ પણ ખાસ વાંચો : 29 મહિનાની મહેનત પર ઐયરે ફેરવી દીધું પાણી... : કેપ્ટન બનતા જ શ્રેયસના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ

કેવી રીતે કામ કરશે આ AI સિસ્ટમ

આ નવી AI સિસ્ટમ ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરશે. તે દરેક ખેલાડીના રન, સ્ટ્રાઇક રેટ, વિકેટ, ફિલ્ડિંગનું પ્રદર્શન અને ભૂતકાળના તમામ આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે. આ ડેટાના આધારે તે સિલેક્ટર્સને યોગ્ય ખેલાડીઓના નામ સૂચવશે. જોકે, અંતિમ નિર્ણય તો પસંદગી સમિતિના સભ્યો જ લેશે. પરંતુ આમાં એક મોટો નિયમ એ રાખવામાં આવ્યો છે કે જો કોઈ પસંદગીકાર AI એ આપેલા સૂચનથી અલગ જઈને કોઈ ખેલાડીની પસંદગી કરે છે અથવા તેને ટીમમાંથી બહાર રાખે છે, તો તેનું ચોક્કસ અને લેખિત કારણ બોર્ડ સમક્ષ રજૂ કરવું પડશે. આ નિયમના કારણે પસંદગી પ્રક્રિયામાં જવાબદારી અને પારદર્શિતા બંનેમાં ઘણો વધારો થશે.

નાણાકીય સંચાલનમાં પણ ટેકનોલોજીની મદદ

MPCA બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, આ અદભુત ટેકનોલોજીનો ઉપયોગ માત્ર મેદાન પર ખેલાડીઓ પસંદ કરવા પૂરતો સીમિત રાખવામાં આવશે નહીં. બોર્ડ તેના વહીવટી અને નાણાકીય કાર્યોને સુધારવા માટે પણ આનો ઉપયોગ કરશે. જિલ્લા અને વિભાગીય સ્તરે જે ક્રિકેટ એકમો કામ કરે છે, તેમને અપાતા સરકારી કે બોર્ડના ભંડોળની અરજી પ્રક્રિયા, દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી, દૈનિક ખર્ચ પર દેખરેખ અને નાણાકીય વ્યવસ્થાપન જેવા અતિ મહત્વના કાર્યો પણ આ AI સિસ્ટમ દ્વારા જ હેન્ડલ કરવામાં આવશે. આનાથી ભ્રષ્ટાચાર અટકશે અને પૈસાનો સાચો ઉપયોગ થશે.

આ પણ ખાસ વાંચો : Vivoએ 8.02-ઇંચની વિશાળ ડિસ્પ્લે સાથે લોન્ચ કર્યો X Fold 6 : 200mp કેમેરા, 7,000mAh બેટરી અને 1TB સ્ટોરેજ સાથે પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન

પરીક્ષણ સફળ અને ટૂંક સમયમાં અમલીકરણ

આ આધુનિક સિસ્ટમનું પ્રાથમિક પરીક્ષણ મધ્યપ્રદેશ લીગ (MPL) T20 ટુર્નામેન્ટ દરમિયાન સફળતાપૂર્વક કરવામાં આવી ચૂક્યું છે. ત્યાં આ સિસ્ટમનું પરિણામ ખૂબ જ હકારાત્મક રહ્યું હતું. હવે બોર્ડ તેને મોટા પાયે લાગુ કરવા માટે તૈયાર છે. સપ્ટેમ્બર મહિનાથી શરૂ થનારી નવી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન પહેલા આ સિસ્ટમને તમામ જિલ્લા અને વિભાગીય એકમોમાં સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવશે. મહાનર્યમન સિંધિયાએ ગર્વ સાથે દાવો કર્યો છે કે, રમતગમતના વહીવટમાં આટલા મોટા સ્તરે AI આધારિત સિસ્ટમ લાગુ કરનાર MPCA કદાચ સમગ્ર વિશ્વનું પ્રથમ ક્રિકેટ સંગઠન બનશે.

ઇમર્જન્ટ સ્ટાર્ટઅપ સાથે મહત્વની ભાગીદારી

આ મહત્વાકાંક્ષી ડિજિટલ પ્રોજેક્ટને સાકાર કરવા માટે MPCA બોર્ડે એક જાણીતા AI સ્ટાર્ટઅપ 'ઇમર્જન્ટ' (Emergent) સાથે સત્તાવાર ભાગીદારી કરી છે. આ કંપનીના મુખ્ય કાર્યો અને સિસ્ટમ વિશે વાત કરતા કંપનીના સીઈઓ મુકુંદે જણાવ્યું કે, તેમની ટીમ છેલ્લા 6 મહિનાથી MPCAની અલગ-અલગ વહીવટી પ્રક્રિયાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટે સખત મહેનત કરી રહી છે. મુકુંદના જણાવ્યા અનુસાર, આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતના વહીવટને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાનો છે. તેઓ આ ભારતીય AI સિસ્ટમને એટલી મજબૂત બનાવવા માંગે છે કે આગામી સમયમાં તેને વૈશ્વિક સ્તરે રમતગમત સંગઠનોમાં લાગુ કરી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now