PM Modi on Gujarat tour : અમદાવાદ શહેર ખાતે 11 જાન્યુઆરી અમદાવાદમાં આવી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન મોદીની આ મુલાકાત અન્વયે શહેર પોલીસ દ્વારા સુરક્ષા અને બંદોબસ્ત અંગે વ્યાપક તૈયારી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકના અધ્યક્ષસ્થાને સમગ્ર પોલીસ બંદોબસ્તની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠક યોજી
મિટિંગ દરમિયાન વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, જાહેર વ્યવસ્થા તથા સંકલન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તમામ અધિકારીઓને પોતાની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત અને આયોજનની સમીક્ષા
આ ઉપરાંત, ગઈકાલે પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે વડાપ્રધાન મોદીના કાર્યક્રમો યોજાનાર સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પોલીસ બંદોબસ્ત અને આયોજનની જાતે જ સમીક્ષા કરી હતી. સુરક્ષા સંબંધિત તમામ પાસાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું અને કોઈ પણ પ્રકારની ખામી ન રહે તે માટે જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થિત વ્યવહાર સુનિશ્ચિત રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું પોલીસે જણાવ્યું છે.
અમદાવાદ-ગાંધીનગરના કાર્યક્રમની વિગત
PM મોદી 11 જાન્યુઆરીએ રાજકોટથી અમદાવાદ આવશે. જ્યાં સાંજે 5:15 કલાકે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો ફેઝ–2નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ વ્યસ્ત દિવસ બાદ વડાપ્રધાન મોદીનું રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવનમાં રહેશે. 12 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત કરશે. સવારે 9:30 કલાકે તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે અમદાવાદમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે. સવારે 11:15 કલાકે વડાપ્રધાન મોદી મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં વિવિધ દ્વિ-પક્ષીય બેઠકો અને ચર્ચાઓ યોજાશે. આ રીતે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ ધાર્મિક, વિકાસ અને વૈશ્વિક સહકારના મહત્વપૂર્ણ સંદેશ સાથે પૂર્ણ થશે.




















