પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાને મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને મળ્યા અને તેમનું સ્વાગત કર્યું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ટીમે રવિવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો.
મુલાકાત દરમિયાન કેપ્ટન હરમનપ્રીતે 2017ની તે ક્ષણને યાદ કરી જ્યારે ટીમ ટ્રોફી વિના પ્રધાનમંત્રીને મળી હતી. આ વખતે, ટીમ હાથમાં ટ્રોફી સાથે આવી હતી, ગૌરવની ક્ષણ.
હરમનપ્રીતનો ખાસ પ્રશ્ન
ટીમને શુભેચ્છા આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સતત ત્રણ હાર અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ પછી પણ ટીમે ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી પુનરાગમન કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.
હરમનપ્રીતે ત્યારબાદ પીએમને પૂછ્યું કે તેઓ હંમેશા વર્તમાનમાં કેવી રીતે જીવે છે?
પ્રધાનમંત્રીએ સ્મિત સાથે જવાબ આપ્યો કે
“આ મારા જીવનનો એક ભાગ અને આદત બની ગઈ છે.”
તેમણે 2021માં ઇંગ્લેન્ડ સામે હરલીન દેઓલ દ્વારા લેવાયેલા અદ્ભુત કેચને પણ યાદ કર્યો, જે તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ટીમનું દિલ્હી આગમન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મંગળવારે સ્ટાર એરની ખાસ ચાર્ટર્ડ ફ્લાઇટ (S5 8328) દ્વારા દિલ્હી પહોંચી હતી.
દિલ્લીમાં ખેલાડીઓને એરપોર્ટથી હોટેલ અને ત્યારબાદ કડક સુરક્ષા હેઠળ પીએમ નિવાસસ્થાને લઈ જવામાં આવી હતી.
સ્મૃતિ મંધાનાની ભાવના
સ્મૃતિ મંધાનાએ પ્રધાનમંત્રી મોદીને “પ્રેરણાસ્ત્રોત” ગણાવ્યા. તેમણે કહ્યું,
“પ્રધાનમંત્રીના પ્રોત્સાહનને કારણે આજે છોકરીઓ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે.”
ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ખેલાડી દીપ્તિ શર્માએ પણ કહ્યું કે તે પીએમ મોદીને મળવા માટે ખૂબ આતુર હતી અને આ ક્ષણ તેમની માટે ખાસ રહી.





















