વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતા નગર આજે માત્ર પર્યટન કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિક બની ગયું છે. દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ દરરોજ અહીં આવી રહ્યા છે. આવાં સમયે, અહીંની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિના રંગોથી સજાવનાર કલાકાર છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશ રાઠવા. વર્ષ 2020થી પરેશ રાઠવા એકતા નગરની વિવિધ સરકારી ઈમારતોમાં પીઠોરા ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવી રહ્યાં છે, જેમના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પરેશભાઈ રાઠવા દ્વારા વિશેષ પીઠોરા પેઈન્ટિંગ બનાવાયું છે, જેમાં પ્રકૃતિ, માનવજીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને સુંદર રીતે દોરવામાં આવ્યો છે.
પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાઠવા
પીઠોરા ચિત્ર નહીં, પરંતુ પ્રાચીન લિપિનું જીવંત સ્વરૂપ છે એમ કહેતા પરેશભાઈ જયંતિભાઈ રાઠવા જણાવ્યું હતું કે, છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં પીઠોરા ચિત્રોને માત્ર કળા નહીં પરંતુ લખાણ તરીકે માનવામાં આવે છે. રાઠવા સમાજના લોકો આ ચિત્રોને વાંચી શકે છે, કારણ કે તેમાં દરેક આકૃતિનો પોતાનો અર્થ અને સંદેશ છે. વધુમાં તેમણે જણાવ્યું કે ,“આ ચિત્રો દોરવામાં આવતા નથી, પણ લખવામાં આવે છે. પીઠોરા ચિત્રો એ પ્રાચીન સમયની લિપિ છે, જે પ્રકૃતિ સાથે માનવના અવિભાજ્ય સંબંધને દર્શાવે છે.” તેમના જણાવ્યા મુજબ, પીઠોરા લિપિનું અસ્તિત્વ આશરે ૧૨ હજાર વર્ષ જૂનું છે. તેજગઢ નજીકના કોરાજ ગામની ગુફાઓમાં પથ્થર પર પીઠોરાનાં ચિત્રોના પુરાવા મળ્યા છે, જે માનવજાતની શરૂઆતના સમયના સંવાદનું સ્વરૂપ હતું. પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાઠવા છેલ્લા 32 વર્ષથી ઘરની ઓસરીમાં બાબા પીઠોરાનાં ચિત્રો લખવાનું કામ કરે છે. ત્યારબાદ તેમણે કેનવાસ પર આ ચિત્રો દોરીને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યું.
પિઠોરા આર્ટ દ્વારા આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ઓળખ આપનાર કલાકાર પરેશભાઈ રાઠવા
પરેશભાઈ રાઠવા આદિવાસી સમાજની પ્રાચીન પિઠોરા પેઇન્ટિંગ પરંપરાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા માટે જાણીતા છે. તેમની કલા દ્વારા તેઓએ આદિવાસી સંસ્કૃતિને નવી ઓળખ આપી છે. વર્ષ 2023માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી એવોર્ડ, વર્ષ 2021માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ટુરિઝમ એવોર્ડ, તેમજ વર્ષ 2020-21 દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ કલાકાર એવોર્ડથી તેઓ સન્માનિત થયા હતા. ઉપરાંત વર્ષ 2018માં પણ રાજ્ય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત કર્યો હતા.
પીઠોરા આર્ટનો પ્રકૃતિ અને માનવ સંબંધનો રંગીન ઈતિહાસ
આ ચિત્રોમાં બાબા પીઠોરા દેવ અને તેમનાં આખા પરિવારના ઘોડા, સૂર્ય-ચંદ્ર, વાવણી, વરસાદ, પશુપાલન અને દૈનિક જીવનના દૃશ્યો દોરવામાં આવે છે. ચિત્રના ઉપરના ભાગમાં દિવસ અને રાતનું પ્રતિકરૂપ સૂર્ય અને ચંદ્ર દર્શાવવામાં આવે છે, જ્યારે નીચે ભાગમાં આદિવાસી જીવનની પ્રવૃત્તિઓનું વર્ણન હોય છે.
વોકલ ફોર લોકલનું પ્રતિક – આદિવાસી ગૌરવની નવી ઓળખ
સરકારના ‘વોકલ ફોર લોકલ’ અભિયાન હેઠળ પીઠોરા આર્ટને નવો ઉછાળો મળ્યો છે. એકતા નગરમાં આ કળા દ્વારા ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવાનો પ્રયાસ સફળ બન્યો છે. અંતે પરેશભાઈ રાઠવા ઉમેર્યું કે, “આ કળા અમારું અસ્તિત્વ છે. જ્યાં સુધી આ ચિત્રો દિવાલ પર દોરાતા રહેશે, ત્યાં સુધી અમારી સંસ્કૃતિ જીવંત રહેશે.”




















