અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. એક જ રાતમાં જિલ્લામાં આશરે નવ ઈંચ જેટલો વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાહિમામ મચી ગયો છે. અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેતરો પાણીમાં ડૂબી જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. અચાનક પડેલા આ વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે અને પરિવહન વ્યવસ્થા પર અસર પડી છે. પરિસ્થિતિ ગંભીર બનતા ધારાસભ્ય મહેશ કસવાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક રાહત પગલાં લેવાની વિનંતી કરી છે. તેમણે કૃષિમંત્રી જીતુ વાઘાણીને પણ પત્ર લખીને ખેડૂતોને સહાય પહોંચાડવા માટે તાત્કાલિક સર્વે કરવાની માંગ કરી છે.
'માવઠામાં સરકારે ખેડૂતોની મદદે આવવું જરૂરી છે'
ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું કે, “અમરેલી જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. માવઠામાં સરકારે ખેડૂતોની મદદે આવવું જરૂરી છે. તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય આપવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે” હાલમાં જિલ્લા પ્રશાસન દ્વારા પ્રાથમિક સર્વેની શરૂઆત કરવામાં આવી છે અને નુકસાનના અંદાજ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. જો કે, વરસાદનો માહોલ હજુ યથાવત હોવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
'ખેડૂતોને ગંભીર નુકસાન થયેલ છે'
તેમણે લખ્યું છે કે, 'ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને ખાસ કરીને અમરેલી જીલ્લામાં તાજેતરમાં ભારેથી અતિભારે કમોસમી (માવઠા) ના વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક જેવા કે મગફળી, કપાસ, ડુંગળી, કઠોળ વગેરેના પાકો સદંતર નાશ પામેલ છે. જેના કારણે ખેડૂતોને ગંભીર નુકસાન થયેલ છે. હાલ પણ કમોસમી વરસાદ ચાલુમાં છે. જે ખુબજ ચિંતાજનક બાબત ગણાય અને જેના કારણે ખુબજ મોટા પ્રમાણમાં ગંભીર અસર જોવા મળી છે. આ કમોસમી વરસાદના કારણે ચોમાસાની સીઝનમાં તૈયાર થયેલ પાક ખેડૂતોના ખેતરમાં પડેલ હતો અને ખેડૂતો તે પાકને લણવાની કામગીરી ચાલુમાં હોય તે દરમિયાન અચાનક આ ભારેથી અતિભારે કમોસમી (માવઠા) 10 થી વધુ ઈંચ સુધી વરસાદ પડ્યાના સમાચાર મળેલ છે. આ વરસાદના કારણે વરસાદના કારણે ખેતીના પાક સંપૂર્ણ નાશ પામેલ છે. જેના કારણે ખેડૂતોને આકી ન શકાય તેટલુ ગંભીર આર્થીક રીતે નુકસાન થયેલ છે જે ચિંતાજનક બાબત છે'.
'તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય મદદરૂપ થવુ ખુબજ આવશ્યક જણાય છે'
વધુમાં લખ્યું કે, ''આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન ખેડૂતોને સહન ન કરવુ પડે તે માટે વરસાદ રોકાયા બાદ તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય મદદરૂપ થવુ ખુબજ આવશ્યક જણાય છે.તો આ બાબતે જરૂરી સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાનના વળતર ચૂકવુ પણ જરૂરી જણાય છે'.




















