અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મહિલા તબીબ દ્વારા દર્દીના પરિવારજન સાથે દાદાગીરી અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. મળતી માહિતી મુજબ, આશિક ચાવડા નામનો યુવક પોતાની દીકરીની સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો.
મહિલા ડોકટરે દર્દીના સ્વજનને લાફા ઝીંક્યા
ચિકિત્સા પ્રક્રિયા દરમિયાન મહિલા તબીબે દીકરીની સારવાર કરવાથી ઇન્કાર કર્યો હતો અને યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. વાત એટલી વધી ગઈ કે મહિલા તબીબે યુવક સાથે હાથચાલકી સુધી પહોંચી હતી. આ ઘટનાથી હોસ્પિટલમાં હંગામો સર્જાયો હતો અને અન્ય દર્દીઓ તેમજ સ્ટાફ વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી.
આશિક ચાવડાનો આરોપ
આશિક ચાવડાએ આરોપ મૂક્યો છે કે, મહિલા તબીબે અયોગ્ય વર્તન કર્યું અને દર્દીની સારવાર જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ અણધાર્યો વલણ દાખવ્યું. હાલ હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાની નોંધ લીધી છે અને સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના પછી હોસ્પિટલની કાર્યપ્રણાલી અને તબીબી વર્તનને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.




















