અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા સાથે બનેલી ઘટનાના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા છે. ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
રાજ્ય સરકારે તપાસાના આદેશ આપ્યા
સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ દ્વારા દર્દીના પરિવારજન સાથે થયેલી દાદાગીરી અને અયોગ્ય વર્તનના આક્ષેપો સામે હવે રાજ્ય સરકાર સક્રિય બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “કોઈપણ તબીબી કર્મચારી કે અધિકારી દ્વારા દર્દી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તેની નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”
મંત્રીએ અધિકારીઓને સૂચના આપી
તેમણે વધુમાં ઉમેર્યું કે, દર્દીઓ સાથે માનવતાભર્યું વર્તન અને યોગ્ય આરોગ્યસેવા સુનિશ્ચિત કરવી એ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. મંત્રીએ અધિકારીઓને સૂચના આપી છે કે આ ઘટનાની વિગતવાર તપાસ ઝડપી પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવામાં આવે. આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાના વર્તન ધોરણોને લઈને ફરી ચર્ચા જગાવી છે અને હવે સૌની નજર સરકારની કાર્યવાહી પર ટકેલી છે.




















