અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં, એક મોટી છેતરપિંડીનો ખુલાસો થયો છે. ફરિયાદી, એક યુવતી, જે સરકારી નોકરીની તૈયારી કરતી હતી, તેની સાથે આરોપી અમન કુમારે ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકેની ખોટી ઓળખ ધારણ કરી, છેતરપિંડી કરી છે, તેણે યુવતીને નોકરીની લાલચ આપી, બનાવટી ઈમેઈલ આઈડીથી સંપર્ક કરી, બેંગલોર અને કોલકાતામાં ઈન્ટરવ્યૂ અને તાલીમનું આયોજન કર્યું, અને ફરિયાદી પાસેથી રૂ. 9.20 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. આ ઉપરાંત, બનાવટી નિમણૂક પત્ર બનાવી ફરિયાદીને મોકલ્યો.
ઝારખંડના ધનબાદથી ઝડપી લીધો
અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ વિશ્લેષણ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી અમન કુમારને ઝારખંડના ધનબાદથી ઝડપી લીધો. આરોપી, જેનું નામ અમન કુમાર (ઉંમર 36, રહે. ધનબાદ, ઝારખંડ) છે, તે અગાઉ 2023માં સીબીઆઈ, મુંબઈ દ્વારા નોકરીના નામે રૂ. 14.11 લાખની છેતરપિંડીના કેસમાં પકડાયો હતો. તેણે રેલવે, ઈન્કમ ટેક્સ, જીએસટી જેવા વિભાગોમાં નોકરીની લાલચ આપી, બનાવટી દસ્તાવેજો અને લેટરહેડનો ઉપયોગ કરી, 18 યુવાનો સાથે ઠગાઈ કરી હતી.
હોટલોમાં ઈન્ટરવ્યુ
યુવાનોને જુદી જુદી સરકારી એજન્સીઓ જેમકે રલ્વે, ઈન્કમટેક્ષ, રેલ્વે આરોગ્ય જેવી કચેરીઓના નામ સાથે લગતા નામવાળા ઈ-મેઈલ આઈ.ડી. બનાવી મેઈલ મોકલી મોટા શહેરોમાં નામચીન હોટલોમાં ઈન્ટરવ્યુ માટે બોલાવી જાતે ઈન્ટરવ્યુ લઈ તેમજ પોતે જગ્યાનુ આયોજન કરી યુવાનો પાસેથી નાણા મેળવી લઈ છેતરપીંડી આચરતો હતો.
પોલીસે આરોપીને 8 દિવસના રિમાન્ડ પર લીધો છે અને તપાસ ચાલુ છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે લોકોને આવા ફ્રોડથી સાવચેત રહેવા અને નોકરીના નામે નાણાં ચૂકવતા પહેલાં ચકાસણી કરવા જણાવ્યું છે.




















