PCB Proceedings : નેશનલ હાઈવે–48 પર આવેલી કોમ્ફર્ટ ઇન હોટલ નજીક પીસીબી પોલીસે દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી બુટલેગરોને ભારે ઝટકો આપ્યો છે. ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી વધતી હતી, ત્યારે ચોક્કસ બાતમીના આધારે પીસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. PCB ટીમે નાયરા પેટ્રોલ પંપ અને કોમ્ફર્ટ ઇન હોટલ વચ્ચે આવેલા ટ્રક પાર્કિંગમાં ઉભેલા એક આઇસર કન્ટેનર પર રેડ કરી હતી. કન્ટેનર ખોલતાં તે પ્રથમ નજરે સંપૂર્ણ ખાલી જણાતું હતું, જેથી એક ક્ષણ માટે પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. જોકે, પોતાની બાતમી પર વિશ્વાસ રાખી પીસીબી પોલીસે કન્ટેનરમાં બેઠેલા ચાલક રમેશકુમાર ઉર્ફે કાલુરામ ખીચડને નીચે ઉતારી કડક પૂછપરછ શરૂ કરી.
દારૂની કિંમત રૂ.33.74 લાખ હોવાનું બહાર આવ્યું
લાંબી પૂછપરછ બાદ ચાલકે કન્ટેનરમાં જ બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનાની માહિતી આપતાં જ આખો મામલો ખુલ્લો પડી ગયો. ચોરખાનું ખોલતાં અંદરથી વિદેશી દારૂની મોટી સંખ્યામાં પેટીઓ મળી આવી, જેને જોઈ પોલીસ સ્ટાફ પણ દંગ રહી ગયો હતો. ચોરખાનામાંથી મળી આવેલા દારૂની કિંમત રૂ.33.74 લાખ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દારૂ ઉપરાંત આઇસર કન્ટેનર, મોબાઇલ ફોન અને રોકડ રકમ સાથે કુલ રૂ.48.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછ દરમિયાન ચાલકે ખુલાસો કર્યો હતો કે આ દારૂ લુધિયાણાથી લાવવામાં આવ્યો હતો અને નેશનલ હાઈવે મારફતે ખેડા સુધી પહોંચાડવાની ગુપ્ત યોજના ઘડાઈ હતી.
સપ્લાયને વોન્ટેડ જાહેર કર્યો
આ કેસમાં દારૂ સપ્લાય કરનાર ફીજી નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઉતરાયણના તહેવાર પૂર્વે થયેલી આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પીસીબી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવાર દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે.





















