જાપાનને પણ ભારતમાં લગભગ દોઢ વર્ષ પહેલા સપ્ટેમ્બર 2023માં લૉન્ચ કરવામાં આવેલી મેડ ઈન ઈન્ડિયા SUV Honda Elevateની મજબૂતાઈને સ્વીકારવાની ફરજ પડી છે. જાપાન NCAPના ક્રેશ ટેસ્ટમાં એલિવેટને સલામતી માટે 5 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. જાપાનીઝ ઉત્પાદક Hondaની Elevate SUV સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદિત છે. ભારતમાંથી જાપાનમાં હોન્ડા એલિવેટની નિકાસ પણ થાય છે. હોન્ડા તેને જાપાનમાં WR-V નામથી વેચે છે.
કારની સેફ્ટી ચકાસવા માટે, જાપાન NCAPએ એલિવેટને 10 kmph, 20 kmph અને 45 kmph જેવી જુદી જુદી સ્પીડ પર ક્રેશ કર્યું. આ ટેસ્ટમાં એસયુવીએ દરેક સ્પીડમાં સારું પ્રદર્શન કર્યું હતું. આશ્ચર્યજનક રીતે, લેન ડિપાર્ચર પ્રિવેન્શનમાં પણ SUVનો સફળતાનો દર 100 ટકા હતો. Honda SUV ભારતમાં Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Toyota Hyrider, Tata Harrier અને MG Astor જેવા વાહનો સાથે સ્પર્ધામાં છે.
આ SUV ભારત કરતાં વિદેશમાં વધુ વેચાય છે
એલિવેટ ભારતમાં લોન્ચ થયા બાદથી ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. હોન્ડા વિશ્વભરના અનેક બજારોમાં એલિવેટની નિકાસ કરે છે અને તેના વેચાણનો મોટો હિસ્સો SUVની નિકાસમાંથી આવે છે. Honda Elevateને દરેક પ્રકારના ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મળ્યા છે. એટલું જ નહીં, SUV એ રાહદારીઓના પગની સુરક્ષા માટે પણ સારા ગુણ મેળવ્યા છે.
અનેક સેફ્ટી ફીચર્સથી સજ્જ
Honda Elevateની કિંમત બેઝ મૉડલ માટે રૂ. 11.73 લાખથી શરૂ થાય છે અને ટોપ મૉડલ માટે રૂ. 16.93 લાખ (એવરેજ એક્સ-શોરૂમ) સુધી જાય છે. એલિવેટ શ્રેષ્ઠ આધુનિક સલામતી સુવિધાઓથી સજ્જ છે. Honda Elevateમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ટ્રેક્શન કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ સામેલ છે. તેમાં ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર અને લેનવોચ કેમેરા પણ સામેલ છે. આ સિવાય, એલિવેટ હોન્ડા સેન્સિંગ ADAS ટેક્નોલોજીથી સજ્જ છે, જે ડ્રાઈવરને મદદ કરવા માટે ફ્રન્ટ વાઈડ-વ્યૂ કેમેરાનો ઉપયોગ કરે છે.




















