Home Automobile Find Out Why The Prices Differ Depending On The City Despite The Same Features And Engine

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે? : જાણો કેમ અમદાવાદ અને મુંબઈમાં એક જ કારની કિંમતમાં આટલો તફાવત!

ફીચર્સ અને એન્જિન સેમ છતાં શહેરોના આધારે કેમ કિંમત અલગ હોય છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2026, 11:19 AM IST

Why Car has Different Price across Cities : ભારતમાં જ્યારે પણ કોઈ નવી કાર લોન્ચ થાય છે, ત્યારે તેની જાહેરાતમાં એક કિંમત દર્શાવવામાં આવે છે, પરંતુ જ્યારે તમે શોરૂમ પર ખરીદવા જાઓ છો ત્યારે તે કિંમત વધી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, એક જ કારનું મોડલ અને ફીચર્સ સરખા હોવા છતાં, દિલ્હી, મુંબઈ કે અમદાવાદ જેવા શહેરોમાં તેની કિંમત અલગ-અલગ હોય છે. ઘણીવાર આ કારની કિંમતનો તફાવત ₹1 લાખ સુધીનો પણ હોય છે. જાણો આ કિંમતો પાછળનું ગણિત શું છે.

શહેરો મુજબ કિંમતોમાં મોટો ફેરફાર

જો આપણે લોકપ્રિય કાર મારુતિ ડિઝાયર (LXI પેટ્રોલ) ના ઉદાહરણથી સમજીએ, તો તેની કિંમતોમાં મોટો તફાવત જોવા મળે છે. દિલ્હીમાં તેની ઓન-રોડ કિંમત ₹7.41 લાખ છે, જ્યારે મુંબઈમાં ₹7.50 લાખ અને બેંગલુરુમાં ₹7.64 લાખ છે. રસપ્રદ વાત એ છે કે, અમદાવાદમાં આ જ કાર તમને ₹7.07 લાખની આસપાસ મળી શકે છે. આ આંકડાઓ દર્શાવે છે કે, એક જ કાર માટે ગ્રાહકોએ શહેર મુજબ અલગ-અલગ ખર્ચ કરવો પડે છે.

એક્સ-શોરૂમ અને ઓન-રોડ પ્રાઇસ વચ્ચેનો ભેદ

કારની કિંમતમાં તફાવત આવવાનું મુખ્ય કારણ 'ઓન-રોડ' કિંમત છે. એક્સ-શોરૂમ કિંમત તો એ હોય છે, જે કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે લગભગ આખા દેશમાં સમાન હોય છે. પરંતુ કાર જ્યારે રસ્તા પર ઉતરે છે (ઓન-રોડ), ત્યારે તેમાં રજીસ્ટ્રેશન ફી, રોડ ટેક્સ અને ઇન્સ્યોરન્સ જેવા વધારાના ખર્ચ ઉમેરાય છે, જે શહેર અને રાજ્ય મુજબ બદલાતા રહે છે.

રોડ ટેક્સ : કિંમત વધવાનું સૌથી મોટું કારણ

ભારતમાં રોડ ટેક્સ કેન્દ્ર સરકાર નહીં, પરંતુ દરેક રાજ્યની સરકારો પોતાની રીતે નક્કી કરે છે. દરેક રાજ્યની ટેક્સ વસૂલવાની પદ્ધતિ અલગ છે. કેટલાક રાજ્યો કારની કિંમતના અમુક ટકા ટેક્સ લે છે, તો કેટલાક રાજ્યો મોંઘી ગાડીઓ પર વધુ ટેક્સ લગાવવામાં છે. જે રાજ્યમાં રોડ ટેક્સના દર ઊંચા હોય, ત્યાં કારની કિંમત આપોઆપ વધી જાય છે.

પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ પર અલગ ટેક્સ

રોડ ટેક્સ માત્ર રાજ્ય પર જ નહીં, પણ કાર ક્યાં ફ્યુલથી ચાલે છે તેના પર પણ આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, દિલ્હીમાં ₹10 લાખથી વધુની પેટ્રોલ કાર પર 10% રોડ ટેક્સ છે, જ્યારે ડીઝલ કાર પર આ દર 12.5% છે. આ જ કારણ છે કે, એક જ શહેરની અંદર પણ પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટની કિંમતમાં મોટો તફાવત જોવા મળે છે.

અન્ય વધારાના ચાર્જિસ

રોડ ટેક્સ ઉપરાંત, લોજિસ્ટિક્સ ચાર્જ (કારને ફેક્ટરીથી શોરૂમ સુધી લાવવાનો ખર્ચ), નંબર પ્લેટના ચાર્જિસ અને સ્થાનિક મ્યુનિસિપલ ટેક્સ પણ કારની અંતિમ કિંમત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ તમામ પરિબળો ભેગા મળીને એક જ મોડલની કિંમતને અલગ-અલગ શહેરોમાં જુદી પાડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now