Home Automobile Scrap Batteries Electric Car Project Uk Innovation

કબાડનો કમાલ : 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 09:30 PM IST

સામાન્ય રીતે લોકો જૂની બેટરીઓને નકામી સમજીને કચરામાં ફેંકી દેતા હોય છે, પરંતુ આ ભંગાર પણ કેટલો ઉપયોગી સાબિત થઈ શકે છે તેનું જીવંત ઉદાહરણ યુનાઈટેડ કિંગડમના ક્રિસ ડોલ નામના વ્યક્તિએ પૂરું પાડ્યું છે. ક્રિસે એક-બે નહીં પરંતુ 500 જેટલી જૂની ઇલેક્ટ્રોનિક બેટરીઓને એકઠી કરીને એક નાની ઇલેક્ટ્રિક કારને રસ્તા પર સફળતાપૂર્વક દોડાવી બતાવી છે. ક્રિસનો આ પ્રયોગ સાબિત કરે છે કે જો યોગ્ય ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જેને કચરો ગણીએ છીએ તે પણ કિંમતી સંસાધન બની શકે છે. આ અનોખા પ્રોજેક્ટનો સંપૂર્ણ વીડિયો ક્રિસે પોતાની યુટ્યુબ ચેનલ પર પણ શેર કર્યો છે.

500 જૂની બેટરીઓનો પુનઃઉપયોગ

ક્રિસે કચરામાંથી ફેંકી દેવાયેલી આશરે 500 જેટલી જૂની બેટરીઓ એકઠી કરી હતી. મોટાભાગના લોકો વપરાશ બાદ આ બેટરીઓ ફેંકી દેતા હોય છે, પરંતુ તેના લિથિયમ સેલ્સમાં હજુ પણ પાવર બચ્યો હોય છે. ક્રિસે દરેક બેટરી સેલનું ચોકસાઈપૂર્વક પરીક્ષણ કર્યું અને ત્યારબાદ તેમાંથી કાર્યરત સેલ્સને જોડીને એક મોટું બેટરી પેક તૈયાર કર્યું હતું. આ જ પાવરફુલ બેટરી પેકની મદદથી ઇલેક્ટ્રિક કારને ચલાવવામાં આવી હતી.

કઈ કાર પર કરવામાં આવ્યો પ્રયોગ?

ક્રિસે આ દેશી બેટરી પેકનો ઉપયોગ Reva G-Wiz નામની નાની ઇલેક્ટ્રિક કારમાં કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં આ કાર 'રેવા'ના નામે જાણીતી હતી. આ એક અત્યંત હલકી કાર છે જેનું બેટરી વગરનું વજન આશરે 400 કિલોગ્રામ છે. તેમાં 17-હોર્સપાવરની નાની મોટર લાગેલી છે જે તેને વધુમાં વધુ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી શકે છે.

બેટરીની ક્ષમતા અને સુરક્ષા ફીચર્સ

આ ખાસ બેટરી સિસ્ટમને 14 ભાગોમાં વહેંચવામાં આવી હતી જે અંદાજે 50 વોલ્ટની વીજળી પેદા કરે છે. આ આખા પેકની ક્ષમતા 2.1 kWh જેટલી છે. જૂની બેટરી હોવાથી તેમાં સુરક્ષા સૌથી મોટો પડકાર હતો, તેથી ક્રિસે દરેક સેલના વોલ્ટેજ અને તાપમાન પર નજર રાખવા માટે એક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવી હતી. જો બેટરી ગરમ થાય તો ચેતવણી માટે ઘંટડી વાગે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શોર્ટ સર્કિટથી બચવા માટે ખાસ ફ્યુઝ અને ટેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટેસ્ટિંગમાં મળ્યું શાનદાર પરિણામ

રસ્તા પર જ્યારે આ કારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે તે 50-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ પણ મુશ્કેલી વગર દોડી હતી. રિજેનરેટિવ બ્રેકિંગની મદદથી ઢાળ ઉતરતી વખતે બેટરી જાતે ચાર્જ પણ થતી હતી. આ કારે એકવારમાં આશરે 30 કિલોમીટર સુધીની મુસાફરી કરી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ કારને USB-C લેપટોપ ચાર્જરની મદદથી પણ ચાર્જ કરી શકાય છે. જોકે આ કાર લાંબા અંતર માટે નથી પરંતુ શહેરની અંદર નાના કામો માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now