Kishan Sangh Agitation : ભારતીય કિશાન સંઘે ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 12 તારીખે યોજાનાર આંદોલન હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ડિસેમ્બર મહિનામાં ભારતીય કિશાન સંઘ દ્વારા સરકાર સામે આંદોલનની ચીમકી આપવામાં આવી હતી અને ખેડૂતોના મુદ્દાઓને લઈને સંઘે સરકાર સામે બાંયો ચઢાવી હતી.
કિશાન સંઘના મહામંત્રીએ શું કહ્યું?
આંદોલન સ્થગિત કરવા અંગે ભારતીય કિશાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના પ્રશ્નોને લઈને સંઘની એક બૃહદ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં “ચલો ગાંધીનગર” નામે એક મોટો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. સંજોગો અનુસાર મહાત્મા મંદિર પાસે કાર્યક્રમ યોજવાનો પ્લાન હતો, જેમાં ગુજરાતભરમાંથી અંદાજે 70 હજાર જેટલા ખેડૂતો એકત્ર થવાના હતા.
'કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ લેવાયો નિર્ણય'
આર.કે. પટેલે વધુમાં જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંદોલન હાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય કિશાન સંઘ ચોક્કસ માંગણીઓના આધારે આંદોલન કરવાનું હતું, જેમાં ખેડૂતોના હિતના અનેક મુદ્દાઓ સામેલ હતા. આ માંગણીઓને લઈને કૃષિ મંત્રી, ઊર્જા મંત્રી સહિતના સંબંધિત મંત્રીઓ સાથે બેઠકો પણ યોજાઈ હતી. તેમણે કહ્યું કે આ દરમિયાન પ્રધાનમંત્રી અને જર્મનીના વાઇસ ચાન્સેલરના રૂટ પણ આંદોલન સ્થળની નજીક હોવાથી સુરક્ષા અને વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો હતો. મહત્વની વાત એ છે કે ભારતીય કિશાન સંઘ દ્વારા મુકાયેલી માંગોમાંથી સરકાર દ્વારા 12 જેટલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે.
'12 માંગણીઓ સ્વીકારવામાં આવી'
આર.કે. પટેલે જણાવ્યું કે ભારતીય કિશાન સંઘની નીતિ હંમેશા પત્રવ્યવહાર, રજૂઆત અને ત્યારબાદ જરૂર પડે ત્યારે આંદોલનની રહી છે. સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નો પર હકારાત્મક નિર્ણય લેવામાં આવતા અને 12 માંગણીઓ સ્વીકારવામાં આવતા હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. સંઘે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં જો જરૂરી બનશે તો ખેડૂતોના હિત માટે ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.





















