અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમે બેટિંગમાં દબદબો જમાવ્યો. દિવસના અંતે ભારતે 5 વિકેટે 448 રન બનાવ્યા છે અને હવે 286 રનની ભવ્ય લીડ મેળવી લીધી છે. રવીન્દ્ર જાડેજા (104*) અને વોશિંગ્ટન સુંદર (9*) અણનમ રહીને પરત ફર્યા.
કેએલ રાહુલનો લાંબો ઈંતેજાર પૂર્ણ
ટીમ ઈન્ડિયા માટે શરૂઆતમાં કે.એલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમને શાનદાર શરૂઆત આપવી. કેએલ રાહુલે પોતાના ટેસ્ટ કરિયરની 11 મી સદી ફટકારી, જે ઘરઆંગણે તેમને આઠ વર્ષ પછી મળી. 2016 માં ચેન્નઈમાં ઇંગ્લેન્ડ સામે 199 રનની ઇનિંગ બાદ રાહુલની આ પહેલી હોમ સદી રહી. રાહુલ 100 રન બનાવીને આઉટ થયો. અને યશસ્વી જયસ્વાલ 36 રનમાં આઉટ થયો.
કેપ્ટન ગિલની પહેલી ફિફ્ટી
શુભમન ગિલે પણ સારું પ્રદર્શન કર્યું. તેણે 50 રન બનાવી પોતાની 8 મી ટેસ્ટ ફિફ્ટી ફટકારી, જે કેપ્ટન તરીકે ભારતમાં તેની પહેલી હાફ-સેન્ચુરી હતી. જોકે, તે રોસ્ટન ચેઝની બોલિંગમાં જસ્ટિન ગ્રીવ્ઝના હાથે કેચ આઉટ થઈ ગયો.
જુરેલ-જાડેજાની ભાગીદારી
કેએલ રાહુલના આઉટ થયા બાદ ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાએ પાંચમી વિકેટ માટે શાનદાર પાર્ટનરશીપ બનાવી. જુરેલે પોતાના કરિયરની પ્રથમ ટેસ્ટ સેંચુરી ફટકારી અને 125 રન બનાવીને આઉટ થઈ ગયો. જાડેજાએ આજે પોતાની 28 મી ટેસ્ટ ફિફ્ટી બાદ છઠ્ઠી ટેસ્ટ સેંચુરી નોંધાવી. રવીન્દ્ર જાડેજાએ સેંચુરી પછી તલવારબાજી સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું. બંને વચ્ચે 206 રનની પાર્ટનરશીપ થઈ, જેના કારણે ભારતનો સ્કોર 400 ની પાર ગયો.
વેસ્ટ ઈન્ડિઝની નબળી શરૂઆત
આ પહેલાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલિંગ સામે તેઓ માત્ર 162 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે 4 વિકેટ અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ લીધી.
હાલની સ્થિતિ
બીજા દિવસના અંતે ભારતે 448 રને 5 વિકેટ ગુમાવી છે, અને ભારતીય ટીમ પાસે 286 રનોની લીડ છે. આજના Day-2 ના અંતે જાડેજા અને સુંદર નોટઆઉટ ક્રીસ પર છે. ભારત હવે મજબૂત સ્થિતિમાં છે અને ત્રીજા દિવસે લીડને 350+ સુધી લઈ જઈને વેસ્ટ ઈન્ડિઝ પર દબાણ વધારવાનો પ્રયાસ કરશે.