India vs West Indies 1st Test Day-2 Tea Break: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બીજા દિવસે દબદબો જમાવ્યો છે. બીજા દિવસના ટી બ્રેક સુધી ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે અને 150 થી વધુ રનની લીડ મેળવી લીધી છે.
રાહુલનો લાંબો ઈંતેજાર પૂર્ણ
કેએલ રાહુલે પોતાના ટેસ્ટ કરિયરની 11 મી સદી નોંધાવી. આ સદી તેમના માટે ખાસ રહી કારણ કે, ઘરઆંગણે તેને આઠ વર્ષ પછી ટેસ્ટ સેંચુરી મળી છે. છેલ્લી વાર તેણે 2016 માં ચેન્નઈ ખાતે ઇંગ્લેન્ડ સામે 199 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાહુલે આ વખતે 100 રન બનાવ્યા અને ત્યારપછી કેચ આઉટ થઈ ગયો.
ગિલની કેપ્ટન તરીકે ભારતમાં પ્રથમ ફિફ્ટી
યુવા કેપ્ટન શુભમન ગિલે પણ સારી બેટિંગ કરી. તેણે 50 રન બનાવીને પોતાની 8 મી ટેસ્ટ ફિફ્ટી ફટકારી, જે કેપ્ટન તરીકે ભારતમાં તેની પહેલી હાફ-સેંચુરી હતી. જોકે શુભમન ગિલ રોસ્ટન ચેઝની બોલિંગમાં જસ્ટિન ગ્રીવ્ઝને કેચ આઉટ થયો.
જાડેજા-જુરેલની મજબૂત ભાગીદારી
રાહુલના આઉટ થયા પછી ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજાએ ઇનિંગને સંભાળ્યો. બંનેએ પાંચમી વિકેટ માટે શતકીય પાર્ટનરશીપ કરી. જુરેલે પોતાની ટેસ્ટ કેરિયરની બીજી ટેસ્ટ ફિફ્ટી ફટકારી. જાડેજાએ પોતાની 28 મી ટેસ્ટ ફિફ્ટી નોંધાવી અને આજે 50 મી ટેસ્ટ રમતાં ખાસ માઈલસ્ટોન હાંસલ કર્યો. ધ્રુવ જૂરેલ અને રવીન્દ્ર જાડેજાની પાર્ટનરશીપથી ભારતનો સ્કોર 326 રને 4 વિકેટ ગુમાવી છે. અને ભારતીય ટીમે 150 રનથી વધુની લીડ લીધી છે.
વેસ્ટ ઈન્ડિઝની નબળી શરૂઆત
આ પહેલાં, કેરેબિયન ટીમે ગુરુવારે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતીય બોલરો સામે તેઓ માત્ર 162 રનમાં જ સીમિત રહી. મોહમ્મદ સિરાજે 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ લઈને કેરેબિયન બેટિંગ લાઇન-અપને હચમચાવી નાખ્યું.
હાલની સ્થિતિ
બીજા દિવસના બે સેશન પૂરા થતાં ભારત સ્પષ્ટ રીતે મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પર હાવી છે. બેટિંગમાં રાહુલ, ગિલ, જુરેલ અને જાડેજાની ઇનિંગ્સે મજબૂત પાયો ઊભો કર્યો છે. હવે જો મધ્યક્રમ વધુ સમય ટકી રહે તો ભારત ભવ્ય લીડ લઈને વેસ્ટ ઈન્ડિઝને વધુ દબાણમાં મૂકી શકે છે.