logo-img
Indian Womens Team Meets Pm Narendra Modi

ભારતીય મહિલા ટીમે PM Narendra Modi ની સાથે બેઠક કરી! : હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને બાકીના ટીમના ખેલાડીઓ સાથે શું વાત થઈ?

ભારતીય મહિલા ટીમે PM Narendra Modi ની સાથે બેઠક કરી!
Published by: Offbeat Team
| Last Updated: Nov 06, 2025, 06:31 AM IST

Indian women's team meets PM Narendra Modi: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2025 ના વનડે વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય પછી 5 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. દિલ્હીમાં યોજાયેલી આ ખાસ બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ તમામ ભારતીય ખેલાડીઓને અભિનંદન આપ્યા અને તેમના અનુભવો અંગે ચર્ચા કરી. હવે આ બેઠકના વીડિયો સોશિયલ મીડિયા પર બહાર આવ્યા છે.

ભારતનો ઐતિહાસિક વિજય

ભારતીય મહિલા ટીમે 2 નવેમ્બરના રોજ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. આ વિજય સાથે ભારતે ઇતિહાસ રચ્યો અને કરોડો ક્રિકેટપ્રેમીઓના સપનાને કર્યા હતા. 21 વર્ષીય શેફાલી વર્માએ 87 રન અને 2 મહત્વપૂર્ણ વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચનો એવાર્ડ ફાઇનલમાં જીત્યો હતો.

પીએમ નરેન્દ્ર મોદી અને ખેલાડીઓ વચ્ચેની રસપ્રદ ચર્ચાઓ

બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “આજનો દિવસ વિશેષ છે – દેવ દિવાળી અને ગુરુ પર્વ બંને એકસાથે છે. આ જીત આખા દેશ માટે ગૌરવની ક્ષણ છે.” ટીમના કોચ અમોલ મજુમદારે જણાવ્યું કે, તેઓ છેલ્લા બે વર્ષથી આ ટીમ સાથે છે અને દરેક પ્રેક્ટિસ સેશનમાં ખેલાડીઓએ સખત મહેનત અને પરિશ્રમ કર્યો છે. “હું ફક્ત એટલું જ કહી શકું છું કે, મારી અને ટીમની મહેનત આખરે રંગ લાવી છે,” એમ તેમણે કહ્યું.

હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાનું ભાવનાત્મક નિવેદન

કેપ્ટન હરમનપ્રીત કૌરે પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું: “અમે 2017 માં તમને મળ્યા હતા ત્યારે ટ્રોફી લાવી શક્યા ન હતા. પણ આ વખતે અમે વર્ષોની મહેનત પછી જીત મેળવી છે. આ ક્ષણ અમારે માટે ગૌરવપૂર્ણ છે.” પીએમ નરેન્દ્ર મોદીએ હરમનપ્રીત કૌરને પૂછ્યું કે, ફાઇનલ પછી તેમણે બોલ ખિસ્સામાં રાખ્યો હતો? હરમને સ્મિત સાથે જવાબ આપ્યો, “હા સર, એ બોલ હજી પણ મારી બેગમાં જ છે!” સ્મૃતિ મંધાનાએ કહ્યું, "અમે 2017 માં વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે હાર મેળવ્યા પછી ભારત આવ્યા હતા, તે હારને કારણે અમે ટ્રોફી લાવ્યા ન હતા. અમે તમને અપેક્ષાઓ વિશે પૂછ્યું હતું, અને ત્યારે તમે જે જવાબ આપ્યો હતો કે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે સમજાવવાથી અમને ઘણી મદદ મળી. મને યાદ છે. છેલ્લા 7-8 વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમે ઘણા વર્લ્ડ કપમાં હાર અને હાર્ટ બ્રેક મેળવ્યા છે, પણ આ વખતનો વર્લ્ડ કપ અમારા સપનાનું પરિણામ છે."

દીપ્તિ શર્માનું “હનુમાનજીનું ટેટૂ”

પીએમ નરેન્દ્ર મોદીએ દીપ્તિ શર્માને પૂછ્યું કે, તેમના હાથ પરનું હનુમાનજીનું ટેટૂ તેમને કેવી રીતે મદદ કરે છે? દીપ્તિએ જવાબ આપ્યો કે, “મને લાગે છે કે આ ટેટૂ મુશ્કેલ પરિસ્થિતિમાં લડવાની શક્તિ અને મનને શાંતિ આપે છે.”

હરલીન દેઓલ અને પીએમ મોદીની સ્કિનકેર ચર્ચા

હરલીન દેઓલે પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું, તમે ખૂબ જ ગ્લો કરો છો સર, હું તમારી સ્કીન કેરની દિનચર્યા વિશે પૂછવા માગુ છું. પીએમ નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો, મેં આ વિષય પર વધારે ધ્યાન આપ્યું નથી. તે સમયે સ્નેહ રાણાએ કહ્યું, “આ ગ્લો લાખો દેશવાસીઓના પ્રેમ અને આશીર્વાદનું પરિણામ છે.”

ફાઇનલ મેચનો સારાંશ

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 298 રન બનાવ્યા હતા. જેમા શેફાલી વર્માએ 87 રન ફટકારીને 2 વિકેટ લીધી. દીપ્તિ શર્માએ 58 રન ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાનાએ 45 રન અને રિચા ઘોષે 34 રન ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકા ટીમ ચેસમાં માત્ર 246 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. આ સાથે ભારતે પહેલીવાર મહિલા વનડે વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી. “આ ફક્ત જીત નથી, એ પ્રેરણાનું પ્રતિક છે” આ વિજય માત્ર ટ્રોફી જીતવાનો નથી, પણ ભારતની મહિલાઓની હિંમત અને પ્રતિભાનો જીવંત પુરાવો છે. ટીમની આ સિદ્ધિ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાઈ જશે!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now