Dilip Deshmukh : અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખે અંગદાન જાગૃતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 'આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જન્મદિવસ છે અને આ પ્રસંગને અર્થપૂર્ણ બનાવવાના હેતુથી આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલીપ દેશમુખે કહ્યું કે, 'તેઓ છેલ્લા છ વર્ષથી સતત અંગદાન જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે અને દરેક પ્રસંગે સમાજ સુધી અંગદાનનો સંદેશ પહોંચે તેવો તેમનો પ્રયાસ રહ્યો છે'.
'સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે'
નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિતે આજે તેમના હસ્તે નર્સિંગના વિદ્યાર્થીઓને ‘અંગદાન મહાદાન’ના સૂત્ર સાથેના પતંગો વિતરણ કરવામાં આવ્યા હતા. આ માધ્યમથી લોકો સુધી અંગદાનનો મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે આજે પણ અનેક લોકો અંગોની રાહ જોતા મૃત્યુ પામે છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
'વર્ષ 2025માં કુલ 152 લોકોના અંગદાન થયા'
તેમણે આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું કે, 'વર્ષ 2025 દરમિયાન ગુજરાતમાં કુલ 152 લોકોના અંગદાન થયા છે. સાથે જ કિડની હોસ્પિટલમાં એક કેલેન્ડર વર્ષ દરમિયાન આશરે 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 80થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થયા છે. તેમણે ઉમેર્યું કે ધીમે ધીમે લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે, જે હકારાત્મક બાબત છે.
'...અંગોને સ્વસ્થ અને વ્યવસ્થિત રાખે તો તે સૌ માટે સારું'
દિલીપ દેશમુખે વધુમાં કહ્યું કે 'જો લોકો પોતાના અંગોને સ્વસ્થ અને વ્યવસ્થિત રાખે તો તે સૌ માટે સારું છે અને આવી સ્થિતિમાં અંગદાનની જરૂરિયાત પણ ઘટી શકે. વ્યસનમુક્ત જીવનશૈલી, યોગ્ય આહાર અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી સારું જીવન જીવવું શક્ય છે. અંતમાં તેમણે જનતાને વધુ ને વધુ અંગદાન કરવા અપીલ કરી હતી અને આ માનવીય કાર્યમાં સહભાગી બનવા સૌને અનુરોધ કર્યો હતો.





















