Panchmahal News : પંચમહાલ જિલ્લામાં કાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને પોલીસ વચ્ચે થયેલી બબાલનો મામલો સામે આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ઘટનાને પગલે કાલોલ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ સાથે દાદાગીરી અને ઘર્ષણ કરનાર વાહન ચાલક પ્રતિક સુરેશભાઈ જોશીની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ સાથે દાદાગીરી કરતા વાહન ચાલકની ધરપકડ
આ ઘટનામાં પોલીસ સાથે ઘર્ષણમાં સામેલ હોવાનું સામે આવતા જ્યોત્સના બેલદાર, નેહા પાઠક, વર્ષા જોશી અને પ્રિયંકા બેલદાર ઘર છોડીને પલાયન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ તમામ આરોપીઓને શોધવા માટે વિવિધ જગ્યાએ તપાસ શરૂ કરી છે અને તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ફરાર આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથધરી
પકડાયેલ આરોપી પ્રતિક જોશીને પોલીસ મથકમાંથી કોર્ટમાં રજૂ કરવા માટે પગપાળા લઈ જવાયો હતો. ઘટના સ્થળ કોર્ટ સંકુલની બહાર હોવાથી પોલીસે ત્યાં પંચનામું કરી જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ રાખી છે.





















