દિલ્હીમાં વાયુ પ્રદૂષણના અત્યંત જોખમી સ્તરે પહોંચ્યા પછી ચીનએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને હવાની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સહાય કરવાની ઓફર આપી છે. 2010ના દાયકાના પ્રારંભમાં દિલ્હી અને બેઇજિંગ બંને શહેરો ધુમ્મસ અને પ્રદૂષણથી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા, જ્યાં PM2.5નું સ્તર ઘણીવાર 500 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુ નોંધાતું હતું, જે વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા કરતાં 50 ગણું વધારે હતું.
નવેમ્બર 2025 સુધીમાં ચીનની રાજધાની બેઇજિંગે સતત પ્રયાસો અને સુધારાત્મક પગલાં દ્વારા વાયુ પ્રદૂષણ પર નોંધપાત્ર કાબૂ મેળવ્યો છે. હવે ચીન એ જ મોડેલ દિલ્હી માટે લાગુ કરવાની તૈયારી બતાવી રહ્યું છે.
ચીનનો અભિગમ: કડક નિયમો અને નવી નીતિઓનો અમલ
ચીની સરકારે બેઇજિંગને પ્રારંભિક પ્રયોગસ્થળ તરીકે પસંદ કર્યું, કારણ કે ત્યાં વિદેશી દૂતાવાસો હોવાને કારણે શહેરનું પ્રદૂષણ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા માટે ચિંતાનો વિષય બન્યું હતું. ચીનએ રાષ્ટ્રીય અભિયાન શરૂ કરીને નવા પર્યાવરણ નિયમો તૈયાર કર્યા અને તેમનો કડક અમલ કર્યો.
બેઇજિંગમાં Low Emission Zone (LEZ) નીતિ અમલમાં મુકાઈ, જેના હેઠળ ઊંચું ધુમાડું છોડતા વાહનોને શહેરના કેટલાક ભાગોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. આ પહેલથી હવાની ગુણવત્તામાં મહત્વપૂર્ણ સુધારો નોંધાયો.
ઉદ્યોગ અને પરિવહનમાં ફેરફાર
ચીનએ બેઇજિંગમાં કોલસાનો ઉપયોગ ઘટાડવા માટે 3,000 નાના બોઈલર બંધ કર્યા અને 2017 સુધી કોલસાનો વપરાશ 15 મિલિયન ટન સુધી સીમિત કર્યો, જે 30 ટકા ઘટાડો હતો. આ ખોટ કુદરતી ગેસ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો દ્વારા પૂરી કરવામાં આવી. શહેરમાં 4 ગીગાવોટ સૌર અને પવન ઉર્જા ઉમેરાઈ.
વાહન પ્રદૂષણ ઘટાડવા માટે લાઇસન્સ પ્લેટ લોટરી સિસ્ટમ અમલમાં મુકાઈ અને મેટ્રો નેટવર્ક 1,000 કિલોમીટર સુધી વિસ્તૃત થયું. પરિણામે બેઇજિંગમાં જાહેર પરિવહન, સાયકલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપી વધ્યો.
ચીને પ્રદૂષણ પર નિયંત્રણ માટે રીઅલ-ટાઇમ મોનિટરિંગ નેટવર્ક વિકસાવ્યું, જેમાં 1,500 સ્ટેશનો દ્વારા PM2.5 ડેટા એકત્રિત કરવામાં આવતો હતો. “Blue Sky” એપ્લિકેશન દ્વારા સામાન્ય નાગરિકો પણ પ્રદૂષણનું અનુસરણ કરી શકતા થયા.
સાથે સાથે, બેઇજિંગની આસપાસ 100 મિલિયન વૃક્ષો વાવવામાં આવ્યા, જે કાર્બન શોષણ દ્વારા હવાની શુદ્ધતા વધારવામાં મદદરૂપ બન્યા.
નોંધપાત્ર સુધારા અને અસર
2013 થી 2017 દરમ્યાન બેઇજિંગમાં PM2.5 સ્તર 35 ટકા ઘટીને 89.5 થી 58 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થયું, જ્યારે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ 25 ટકા ઘટાડો નોંધાયો.
2020 સુધીમાં સ્વચ્છ ઉર્જાનો હિસ્સો 15 ટકા સુધી વધ્યો અને શ્વસન સંબંધિત બીમારીઓમાં 20 ટકા ઘટાડો નોંધાયો.
આયુષ્યમાં વધારો
હવાની ગુણવત્તામાં સુધારાના કારણે બેઇજિંગમાં લોકોની સરેરાશ આયુષ્યમાં આશરે 4.6 વર્ષનો વધારો થયો છે. સમગ્ર ચીનમાં 2013 પછી સરેરાશ આયુષ્ય બે વર્ષ જેટલું વધ્યું છે.
2013 થી 2020 વચ્ચે વૈશ્વિક વાયુ પ્રદૂષણ ઘટાડામાં ચીનનો હિસ્સો ત્રણ-ચોથાઇ જેટલો રહ્યો છે, જ્યારે ભારત સહિત દક્ષિણ એશિયાઈ દેશોમાં કણ-પ્રદૂષણ સતત વધી રહ્યું છે.





















