Gandhinagar News : ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં આજે એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે, પાણીમાં ડૂબી જવાથી એક નાનકડા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ખુલ્લી પાણી ટાંકીમાં બાળક પડી ગયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ, ગિફ્ટ સિટી વિસ્તારમાં એક ખુલ્લી પાણીથી ભરેલી ટાંકી પાસે રમતાં રમતાં બાળક અચાનક તેમાં પડી ગયું હતું, જેના કારણે તે પાણીમાં ડૂબી ગયું. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદથી બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન બાળકનું મોત
બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે.




















