logo-img
Can Anyone Become A Farmer Of Gujarat Agriculture News

શું કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકે? : ખેડૂત બનવા જાણો ગુજરાતના ગણોતધારાનું ગણિત

શું કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકે?
Published by: Offbeat Team
| Last Updated: Sep 02, 2025, 09:33 AM IST

Agriculture news: દિન-પ્રતિદિન ગુજરાતમાં ફાર્મહાઉસના નામે જમીન ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો કોઈક ને કોઈક રીતે કાયદાની આંટીઘૂંટી કાવાદાવાથી બીજાના નામે ખેતીની જમીનો ખરીદતા થયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં આ પ્રવૃત્તિ સતત વધી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છેકે, શું કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકે છે? શું ખેડૂત બનવા માટે કાયદામાં કોઈ ખાસ જોગવાઈ છે? આ સવાલોનો જવાબ જાણવા માટે તમારે જાણવું પડશે ગુજરાતના ગણોતધારાનું ગણિત.

શું કોઈ પણ નાગરિક ખેડૂત બની શકે છે? શું કૃષિ જમીન ખરીદી શકાય છે? અને જો નહીં, તો તેમાં શું બદલાવ આવી શકે છે? ચાલો, વિસ્તૃત માહિતી લઈએ.

હાલની કાનૂની સ્થિતિ: "વારસાગત પદ્ધતિથી જ ખેડૂત બની શકાય"

ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદા મુજબ, તમે ખેડૂત ત્યારે જ ગણાઈ શકો જો તમારા પરિવારમાં દાદા, પિતા કે પરદાદા ખેડૂત હોય. એટલે કે, વારસામાં ખેતીની જમીન મળવી જરૂરી છે. નવાં નાગરિક ખેડૂત બની શકે નહીં, એટલે કે: તમારું પિતૃક પરિવાર ખેડૂત ન હોય, તમારી પાસે કૃષિ જમીન ન હોય તો તમે ખેતી માટે જમીન નહીં ખરીદી શકો.

કૃષિ જમીન વેચાણ માટેના નિયમોઃ

ખેતીની જમીન વેચી શકે તેવા લોકો પણ માત્ર અન્ય ખેડૂતને જ જમીન વેચી શકે છે.

જો જમીન બિનખેડૂતને વેચવી હોય તો, પહેલા સરકારની મંજૂરીથી 'બિનખેતી ઉપયોગ માટે' ફેરફાર કરવો પડે છે.

તે માટે:

સરકારી જંત્રી મુજબ જમીનના 35-40% જેટલું પ્રિમિયમ ફી

અન્ય ખર્ચો (જેમ કે વહીવટી લોંચ, દલાલો વગેરે)

આ બધું ભોગવવું પડે છે. આ પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ હોય છે.

ગણોતધારો કોને કહેવાય?

ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં ત્રણ બાબતો મુખ્ય હતી : (1) મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો નાબૂદ કરી બધા ખાતેદારોને રાજ્ય સાથેના સીધા કબજેદારો બનાવવા; (2) શોષણ પર આધારિત કે શોષણને પ્રોત્સાહિત કરતી ગણોતપ્રથા નાબૂદ કરવી અથવા તેનું નિયમન કરવું અને (3) એક ખેડૂત કુટુંબ ખેતીની વધુમાં વધુ કેટલી જમીનની માલિકી ધરાવી શકે તેનું પ્રમાણ નક્કી કરવું એટલે કે જમીનધારણની ટોચમર્યાદા નિર્ધારિત કરવી.

ગણોતિયા માટે ખરીદ કિંમતની જોગવાઈ નીચે મુજબ છે :

કાયમી ગણોતિયાઃ તે જે જમીન ધરાવતો હોય તેના ગણોતના 6 પટ (છ ગણી રકમ).

સામાન્ય ગણોતિયાઃ આકારના 20થી 200 પટ 12 હપતે 4½ %ના વ્યાજે. કૂવા, ઇમલા, ઝાડ, જમીન વગેરે માલિકનાં હોય તો તેની જુદી કિંમત.

પછાત વિસ્તારના ગણોતિયા માટેઃ 80થી 100 પટની મર્યાદામાં એટલે 20થી 80 પટ કે 20થી 100 પટ

હાલ ગણોતધારામાં શું છે જોગવાઈ?

અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે છે. જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40 ટકા જેટલું પ્રિમિયમ સરકારને ભરવું પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે.

1948નો મુંબઈ ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો :

1939ના કાયદાના અમલથી ગણોતિયાનો પ્રશ્ન કે ગણોતપ્રથાનાં અનિષ્ટો દૂર નહિ થાય તેમ જણાતાં 1948માં મુંબઈનો ગણોત અને ખેતીની જમીનના વહીવટનો કાયદો ઘડાયો. આ કાયદામાં ગણોતિયાની બાબતો ઉપરાંત જમીનના કાર્યક્ષમ વહીવટ, જમીનદારોની જમીન ઉપર વહીવટ મૂકવાની તથા બિનખેડૂતને ખેતીની જમીન વેચવા ઉપર નિયંત્રણની અગત્યની બાબતો હોવાથી તે માત્ર ગણોત કાયદો ન રહેતાં ખેતીની જમીનના વહીવટનો કાયદો પણ બન્યો અને તે રીતે તે ખાલસા રૈયતવારી જમીન, જેના ઉપર ગણોતિયા ન હોય તેવા જમીન ધરાવનારાને પણ અસરકર્તા બન્યો.

1948ના આ કાયદાની તે વખતની 1956 પહેલાંની સ્થિતિએ નીચે મુજબની જોગવાઈઓ અગત્યની હતી :

(1) જિરાયત જમીન માટે પાકમાં 1/3 અને સિંચાઈની જમીન માટે 1/4 ભાગ મહત્તમ ગણોત તરીકે લેવાની 1939ના કાયદાની જોગવાઈમાં સુધારો કરી આવા ગણોતમાં પણ ઓછું ગણોત ઠરાવી શકાય અને આકારના અમુક પટ જેટલું ગણોત રોકડમાં ઠરાવવાની જોગવાઈ થઈ. (2) મામલતદારોને વાજબી ગણોત ઠરાવવાના અધિકારો અપાયા. (3) ગણોતિયા પોતાની જમીન ઉપર પોતાના હક પૂરતો બોજો કરી શકે તેવો તેને હક અપાયો. (4) સંરક્ષિત ગણોતિયાને પોતે ધરાવતો હોય તે જમીન ખરીદવાનો હક અપાયો. (5) જમીનદારોની જમીનો ખેડૂતની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા તથા જમીનના કાર્યક્ષમ વહીવટ માટે સરકારી વહીવટમાં લેવાની જોગવાઈ થઈ. (6) જમીનમાલિકના જમીન વેચવાના હકો ઉપર નિયંત્રણ તરીકે, તે જમીન ગણોતિયાને વેચી શકે અથવા તો તે ખરીદવા તૈયાર ન થાય તો નજીકના ખેડૂતને જ વેચી શકે એવાં નિયંત્રણો મુકાયાં. (7) ખેતીની જમીનમાં જમીન જાતે ન ખેડનારા લોકો પ્રવેશ ન મેળવે એટલા માટે બિનખેડૂતને કલેક્ટરની રજા વિના જમીન વેચવા સામે પ્રતિબંધ મુકાયો. (8) કોઈ વાજબી કારણ વિના સતત બે વર્ષ સુધી વણખેડાયેલી રહેલી ખેતીની જમીનનો વહીવટ સરકાર હસ્તક લેવાની જોગવાઈ થઈ. (9) ગણોત કાયદાની કોઈ પણ બાબત માટે દીવાની કોર્ટની હકૂમત બાદ રખાઈ.

ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદાઃ

ભારતમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો હિંદુ, મુસ્લિમ તથા મરાઠા રાજ્યવહીવટ દરમિયાન રાજકીય હેતુઓ માટે ઊભા કરાયા હતા. તેના પરિણામે જમીન ઉપરના હકોમાં મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકાર રાજ્ય અને ખેડૂત વચ્ચે અસ્તિત્વમાં હતા. સમગ્ર રાજ્યમાં ખેડૂતને રાજ્ય સાથે સીધા સંબંધ ધરાવતો બનાવવા આ પ્રકારોની નાબૂદી જરૂરી હતી અને તેથી જ્યારે ગુજરાત, મુંબઈ રાજ્યનું અંતર્ગત ભાગ હતું ત્યારે મુંબઈ રાજ્યે સમગ્ર રાજ્યમાં એક જ જમીનવહીવટ-પ્રથા અને પદ્ધતિ દાખલ થાય તે માટે આ જમીનધારણના પ્રકારોની નાબૂદી જરૂરી માની હતી. મુંબઈ રાજ્યે 1949થી 1960 દરમિયાન એટલે કે ગુજરાત રચાયું ત્યાં સુધીમાં મધ્યસ્થીઓ અંગેના ઘણાબધા જમીનધારણના પ્રકારો કાયદા દ્વારા નાબૂદ કર્યા. મે 1960માં ગુજરાતની રચના પછી તેણે પણ આ નાબૂદી કાર્યક્રમ ચાલુ રાખ્યો અને છેલ્લે 1969માં દેવસ્થાન સત્તાપ્રકાર નાબૂદી કાયદો ઘડી તેનો અમલ પણ શરૂ કર્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now