ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એશિયા કપ 2025ની મેચ રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમ જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત બંન્ને ટીમ એકબીજાની વિરુદ્ધ રમતી જોવા મળશે. ત્યારે બીજી તરફ ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2025માં 5 ભારતીય ખેલાડીઓ એવા છે જે પહેલીવાર પાકિસ્તાન સામે કોઈ T20I મેચ રમશે. આમાંથી 2 ખેલાડીઓ તો આ ફોર્મેટમાં 40થી વધુ મેચ રમી ચૂક્યા છે.
સંજુ સેમસન
2015માં T20I ડેબ્યૂ કરનાર સંજુ સેમસન અત્યાર સુધીમાં ભારત માટે 43 T20I રમી ચૂક્યો છે, પરંતુ આજ સુધી તેને પાકિસ્તાન સામે રમવાની તક નહોતી મળી. એશિયા કપ 2025માં આ પહેલી વાર હશે જ્યારે તે પાકિસ્તાન સામે રમશે.
કુલદીપ યાદવ
કુલદીપ યાદવ એક વધુ ભારતીય અનુભવી ખેલાડી છે જેણે હજુ સુધી પાકિસ્તાન સામે T20I મેચ નથી રમી. કુલદીપ યાદવને 41 T20Iનો અનુભવ છે.
શુભમન ગિલ
ભારતીય ટેસ્ટ કેપ્ટન અને T20ના વાઈસ કેપ્ટન શુભમન ગિલે વન-ડેમાં તો પાકિસ્તાનને હરાવ્યું છે, પરંતુ આજ સુધી તેને T20Iમાં પાકિસ્તાન સામે રમવાની તક નહોતી મળી.
તિલક વર્મા
વર્તમાન T20I રેન્કિંગમાં નંબર-2 પર રહેલ તિલક વર્મા પણ પહેલીવાર પાકિસ્તાન સામે મેચ રમતો જોવા મળશે. તેમને 4 વન-ડે અને 26 T20Iનો અનુભવ છે.
અભિષેક શર્મા
ભારતીય વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પણ પહેલીવાર પાકિસ્તાન સામે કોઈ T20I મેચ રમશે. અત્યાર સુધીમાં તેણે પોતાની તોફાની બેટિંગના આધારે ઘણી મોટી-મોટી ટીમોના બોલરોની ધુલાઈ કરી છે. અભિષેક ICC T20 રેન્કિંગમાં ટોપ પર છે.