Ahmedabad Crime News : અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાપુનગરના હાઉસિંગ બોર્ડના મકાનમાં બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પતિએ પત્નીની હત્યા બાદ આપઘાત કર્યો
પ્રાથમિક માહિતી મુજબ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કર્યો હતો, જેના કારણે મહિલાનું મોત થયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને છેલ્લા ચાર વર્ષથી લગ્નબંધનમાં જોડાયેલા હતા.
બાપુનગર પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં જ બાપુનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે. મૃતક મહિલા આજુબાજુની સોસાયટીઓમાં કચરો પોતા કરવાનો કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. આ ઘટનાએ વિસ્તારમાં રહેવાસીઓમાં દુઃખ અને ચિંતા ફેલાવી છે.





















