5 નવેમ્બરના રોજ અમેરિકાએ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી પરમાણુ ક્ષમતા ધરાવતી મિનિટમેન-3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું. અમેરિકન રક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણ નિયમિત તાલીમ પ્રક્રિયાનો ભાગ હતું અને કોઈ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું ન હતું. મિનિટમેન-3 મિસાઇલ 14,000 કિલોમીટર સુધી લક્ષ્યભેદ કરવાની શક્તિ ધરાવે છે અને તેને પરમાણુ શસ્ત્રો વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
યુએસ રક્ષા તંત્રના અનુમાન પ્રમાણે, દેશને હવે આ જૂની મિનિટમેન-3 મિસાઇલોનો ઉપયોગ ઓછામાં ઓછા 2050 સુધી ચાલુ રાખવો પડી શકે છે. આ વિલંબનું મુખ્ય કારણ એ છે કે તેને બદલવા માટે તૈયાર થતી નવી સેન્ટીનેલ (LGM-35A) મિસાઇલ યોજના વારંવાર ખર્ચમાં વધારો અને તકનિકી વિલંબને કારણે અટકી ગઈ છે. યુએસ ગવર્નમેન્ટ એકાઉન્ટેબિલિટી ઓફિસ (GAO)ના તાજેતરના અહેવાલ મુજબ, સેન્ટીનેલ પ્રોજેક્ટમાં સુધારેલી ડિઝાઇન અને નવા લૉન્ચ સિલો બનાવવા જેવી બાબતોને કારણે પ્રોજેક્ટ સમયપત્રક કરતાં ઘણો પાછળ ખસી ગયો છે.
મૂળ આયોજન મુજબ મિનિટમેન-3 મિસાઇલોને 2036 સુધી ઉપયોગમાં રાખવાની યોજના હતી, પરંતુ હવે તેમને આશરે 14 વર્ષ વધુ સેવામાં રાખવી પડશે. હાલ આ મિસાઇલો યુએસની ન્યુક્લિયર ટ્રાયડ સિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં જમીન આધારિત મિસાઇલ દળો, બોમ્બર વિમાનો અને સબમરીન લૉન્ચ સિસ્ટમોનો સમાવેશ થાય છે. વ્યોમિંગ, મોન્ટાના, નોર્થ ડાકોટા, કોલોરાડો અને નેબ્રાસ્કા રાજ્યોમાં આવેલ આશરે 450 સિલોમાંથી 400 મિસાઇલો તૈનાત છે.
મિનિટમેન-3 મિસાઇલને 1970ના દાયકામાં સેવામાં મૂકવામાં આવી હતી. શરૂઆતમાં તેનું આયુષ્ય માત્ર 10 વર્ષ ગણવામાં આવ્યું હતું, પરંતુ હવે જો તે 2050 સુધી ઉપયોગમાં રહેશે તો તેનું સર્વિસ લાઇફ 75 વર્ષથી વધુ થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વર્ષો જૂની આ મિસાઇલોનું જાળવણી કામ વધતા જતા મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે સ્પેર પાર્ટ્સની અછત અને ઇલેક્ટ્રોનિક ઘટકોની ખામી વધી રહી છે.
સેન્ટીનેલ મિસાઇલ કાર્યક્રમ માટે યુએસ એરફોર્સે 2020માં નોર્થ્રોપ ગ્રુમેન કંપની સાથે કરાર કર્યો હતો. શરૂઆતમાં તેની કિંમત $77.7 બિલિયન નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે અંદાજીત ખર્ચ $140 થી $160 બિલિયન સુધી પહોંચ્યો છે, જે લગભગ 81 ટકા જેટલો વધારો દર્શાવે છે. જાન્યુઆરી 2024માં સરકારે આ વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. વધુમાં, જૂના લૉન્ચ સિલોના માળખાકીય બગાડને કારણે નવા સિલો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે સમયપત્રક વધુ લંબાઈ ગયું છે.
સેન્ટીનેલ મિસાઇલની પ્રથમ ડિપ્લોયમેન્ટ 2029માં શરૂ થવાની હતી અને તેનું પ્રથમ ઉડાન પરીક્ષણ 2024માં યોજાવાનું હતું. પરંતુ હાલના સુધારેલા શિડ્યૂલ મુજબ પ્રથમ પરીક્ષણ હવે 2026માં થશે. તેથી, અમેરિકન એરફોર્સ માટે મિનિટમેન-3 મિસાઇલો જ ચાલુ રાખવી ફરજિયાત બની ગઈ છે.
ગયા મે મહિનામાં મિનિટમેન-3 મિસાઇલનું છેલ્લું પરીક્ષણ થયું હતું. આવા પરીક્ષણો લાંબા ગાળાના આયોજન હેઠળ થાય છે. હાલ યુએસ પાસે 2030 સુધીના મિસાઇલ ટેસ્ટનું સમયપત્રક તૈયાર છે, જ્યારે 2030 પછીના કાર્યક્રમ અંગેની તૈયારી હજી ચાલુ છે.





















