દેશની અગ્રણી ઓનલાઈન કેબ સર્વિસ કંપની ઉબર (Uber)એ તેના તમામ ડ્રાઈવર ભાગીદારો માટે નવી સબ્સ્ક્રિપ્શન આધારિત યોજના શરૂ કરી છે. કંપનીએ આ મોડેલ બે અઠવાડિયા પહેલા પાયલોટ તબક્કામાં શરૂ કર્યો હતો અને હવે તેને સમગ્ર દેશમાં લાગુ કર્યો છે. આ નવો મોડેલ કાર, ઓટો-રિક્ષા અને બાઈક ડ્રાઇવરો — ત્રણે પ્રકારની સેવાઓ માટે લાગુ પડશે.
આ યોજના અંતર્ગત, ઉબેર ડ્રાઈવરોને હવે દરેક રાઈડ પર કમિશન ચૂકવવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ દૈનિક અથવા માસિક સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવીને ઉબેર એપ પર રાઈડ સ્વીકારી શકશે. આ નવી પદ્ધતિ ડ્રાઇવરો માટે વધુ લાભદાયી સાબિત થવાની આશા છે.
કંપનીનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો:
ઉદ્યોગમાં વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને ઉબેરે આ નવો મોડેલ રજૂ કર્યો છે. રેપિડો (Rapido) અને ઓલા (Ola) જેવી કેબ એગ્રીગેટર કંપનીઓ પહેલેથી જ સબ્સ્ક્રિપ્શન આધારિત મોડેલ અપનાવી ચૂકી છે, જેને કારણે ડ્રાઈવરો ત્યાં વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે.
ઉબેરના ઘણા ડ્રાઈવરોનું માનવું છે કે પ્રતિ રાઈડ કમિશન ચૂકવવાની પદ્ધતિથી તેમની આવક ઘટી જાય છે, જ્યારે સબ્સ્ક્રિપ્શન હેઠળ એક વખત નક્કી રકમ ચૂકવીને બાકીની કમાણી પોતે રાખી શકે છે. આ સ્પર્ધા અને ડ્રાઈવર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ઉબેરે પણ આ નવો મોડેલ અમલમાં મૂક્યો છે.
ડ્રાઇવરોનો પ્રતિસાદ:
ડ્રાઇવરો જણાવે છે કે ઉબેરના જૂના મોડેલ હેઠળ 15થી 20 ટકા સુધી કમિશન ચૂકવવું પડતું હતું, જેના કારણે આવક પર અસર પડતી હતી. હવે, સબ્સ્ક્રિપ્શન ચૂકવ્યા પછી તેઓ પોતાની બધી કમાણી રાખી શકે છે. ઘણા ડ્રાઇવરોના જણાવ્યા મુજબ, આ નવો મોડેલ સ્થિર આવક અને વધુ સ્વતંત્રતા આપે છે.
ઉબેરનું કહેવું છે કે આ યોજના ડ્રાઇવર પાર્ટનરો માટે કમાણી વધારશે અને લાંબા ગાળે સેવા ગુણવત્તામાં સુધારો લાવશે. કંપનીએ જણાવ્યું કે આ પહેલ રાષ્ટ્રીય સ્તરે સફળ થાય તો અન્ય કેટેગરીઓમાં પણ તેની વિસ્તૃત અમલવારી કરવામાં આવશે.