Home Tech/Gadgets Laptop Price Hike 2026 Processor Gpu Memory Shortage India

લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો : કિંમતોમાં 10 કે 20 નહીં પણ સીધો 35 ટકાનો તોતિંગ વધારો થવાની આશંકા

લેપટોપ ખરીદવામાં હવે છૂટી જશે પરસેવો
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 07:30 PM IST

જો તમે નવું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જો તમે આ તક ગુમાવી તો આગામી સમયમાં તમારે તમારા ખિસ્સા પર મોટો બોજ સહન કરવો પડી શકે છે. પ્રોસેસર, GPU અને મેમરી કોમ્પોનન્ટ્સના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે આ વર્ષે લેપટોપની કિંમતોમાં 35 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. ટેક નિષ્ણાતોના મતે, રેમ (RAM)ના ભાવમાં ઉછાળો અને એન્ટ્રી લેવલના Intel પ્રોસેસરની અછતને કારણે કિંમતો વધવી હવે નિશ્ચિત માનવામાં આવે છે.

વિક્રમી વેચાણ બાદ હવે ઘટાડાનું અનુમાન

એક અહેવાલ મુજબ, વર્ષ 2025માં ભારતમાં પીસી માર્કેટે રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી. ગત વર્ષે અંદાજે 1.6 કરોડ યુનિટ્સનું શિપમેન્ટ થયું હતું, જે વર્ષ 2024ની સરખામણીએ 10 ટકા વધુ હતું. આ પ્રથમ વખત હતું જ્યારે ભારતીય બજારમાં લેપટોપ અને કોમ્પ્યુટરના વેચાણે 1.5 કરોડનો આંકડો પાર કર્યો હતો. જોકે, આ વર્ષે ઊંચી કિંમતોને કારણે શિપમેન્ટમાં 8 ટકાનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કિંમતોમાં અત્યારથી જ અસર જોવા મળી

મેમરી ચિપ્સ અને અન્ય ભાગોની અછતને કારણે લેપટોપ મોંઘા થવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. મેમરી ચિપ્સના ભાવમાં 2.5 થી 3 ગણો વધારો થતા લેપટોપ અને ડેસ્કટોપની કિંમતોમાં અત્યાર સુધીમાં 10થી 12 ટકાનો વધારો થઈ ગયો છે. ચાલુ માસમાં પણ ભાવમાં વધુ 10 ટકાનો ઉછાળો આવવાની શક્યતા છે. પરિણામે, જે લેપટોપ પહેલા 30,000 થી 35,000 રૂપિયામાં મળતા હતા, તેની કિંમત હવે વધીને 45,000 રૂપિયાની આસપાસ પહોંચવા લાગી છે.

આગામી દોઢ વર્ષ સુધી રાહત મળવાની આશા નહિવત

ગ્રાહકો જો એમ વિચારી રહ્યા હોય કે થોડા સમય બાદ ભાવ ઘટશે, તો તેમની આ આશા ઠગારી નીવડી શકે છે. બજારના જાણકારોનું કહેવું છે કે આગામી 6થી 7 ક્વાર્ટર સુધી પરિસ્થિતિ સામાન્ય થવાની કોઈ શક્યતા નથી. એવી અપેક્ષા છે કે આગામી વર્ષના બીજા ભાગમાં એટલે કે વર્ષ 2027 ના મધ્યમાં જઈને કોમ્પોનન્ટની અછત અને વધતી કિંમતોમાંથી થોડી રાહત મળી શકે છે. ત્યાં સુધી લેપટોપ અને ટેકનોલોજીના સાધનો મોંઘા જ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now