ભારતમાં ડિજિટલ ફ્રોડનો ખતરો વૈશ્વિક સરેરાશ કરતાં બમણો: રિપોર્ટ
દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઓનલાઈન છેતરપિંડી (ડિજિટલ ફ્રોડ)નો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ટ્રાન્સયુનિયનના 'ટોપ ફ્રોડ ટ્રેન્ડ્સ' રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં ભારતમાં ગ્રાહકો સાથે સંકળાયેલા કુલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાંથી 7.1% લેણદેણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. આ આંકડો વૈશ્વિક સરેરાશ (3.8%) કરતાં લગભગ બમણો છે, જે દર્શાવે છે કે ભારતીય યુઝર્સે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે વધુ સાવધ રહેવાની જરૂર છે.
લોગિન આઈડી અને ચાલુ ખાતાઓ પર મોટું જોખમ
રિપોર્ટમાં એક ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે કે હવે ફ્રોડ કરનારાઓ માત્ર નકલી એકાઉન્ટ બનાવવા પાછળ નથી પડ્યા, પરંતુ તેઓ અસલી ગ્રાહકોના ચાલુ ખાતાઓ (એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ્સ)ને વધુ નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં ઓનલાઈન ફ્રોડનો સૌથી વધુ ખતરો આ ત્રણ તબક્કે જોવા મળ્યો છે:
એકાઉન્ટ લોગિન: 3.9% જોખમ
નવું એકાઉન્ટ ક્રિએશન: 3.1% જોખમ
નાણાકીય વ્યવહાર (ટ્રાન્ઝેક્શન): 1.2% જોખમ
લોજિસ્ટિક્સ અને ટેલિકોમ સેક્ટરમાં સૌથી વધુ ફ્રોડ
ડિજિટલ સેવાઓનો વ્યાપ વધવાની સાથે અલગ-અલગ સેક્ટર્સમાં છેતરપિંડીના પ્રમાણમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં ફ્રોડનો દર નીચે મુજબ નોંધાયો છે:
ટ્રાન્સયુનિયનના અહેવાલ અનુસાર, ભારતમાં અલગ-અલગ સેક્ટર્સમાં ડિજિટલ ફ્રોડના દરમાં મોટો ફેરફાર અને ગ્રોથ જોવા મળ્યો છે. આ લિસ્ટમાં લોજિસ્ટિક્સ (Logistics) ક્ષેત્ર 16.30% ફ્રોડના દર અને 0.31% ના વધારા સાથે સૌથી આગળ છે. ત્યારબાદ ટેલિકોમ (Telecom) સેક્ટરમાં છેતરપિંડીનો દર 14.70% નોંધાયો છે, જેમાં સૌથી ઝડપી 3.08% નો ઉછાળો આવ્યો છે. ઇન્સ્યોરન્સ (Insurance) ક્ષેત્રમાં ફ્રોડનો દર 11.50% અને તેમાં 1.45% નો ગ્રોથ જોવા મળ્યો છે.
બીજી તરફ, ગેમિંગ (Gaming) સેક્ટરમાં 9.60% ફ્રોડના દર સાથે 36% નો મોટો વધારો થયો છે, જ્યારે કોમ્યુનિટી (Community) ક્ષેત્રમાં 4.70% ફ્રોડના દરની સાથે 21% નો ગ્રોથ નોંધાયો છે. બેંકિંગ અને નાણાકીય સેવાઓ એટલે કે ફાઇનાન્સિયલ (Financial) સેક્ટરમાં ફ્રોડનો દર 2.60% રહ્યો છે, પરંતુ તેમાં 65% નો મોટો ઉછાળો આવ્યો છે. રિટેલ (Retail) ક્ષેત્રમાં ભલે ફ્રોડનો દર 2.50% છે, પરંતુ તેમાં સૌથી વધુ 99% નો રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. છેલ્લે, ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં સૌથી ઓછો 0.50% ફ્રોડનો દર નોંધાયો છે, છતાં પણ તેમાં 68% નો નોંધપાત્ર ગ્રોથ થયો છે.
પરંપરાગત સુરક્ષા સિસ્ટમ નિષ્ફળ: ભારતમાં વ્યવસાયો અને બેંકો જે જૂની આઈડેન્ટિટી સિસ્ટમ વાપરે છે, તેને હેકર્સ સરળતાથી બાયપાસ કરી રહ્યા છે. બદલાતા સમય સાથે ઓનલાઈન સિક્યોરિટીને વધુ મજબૂત કરવી અનિવાર્ય બની ગઈ છે.





