અમેરિકાના ન્યૂયોર્ક શહેરના સેન્ટ્રલ હાર્લેમ વિસ્તારમાં લીજનનેયર્સ રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરના આરોગ્ય વિભાગે માહિતી આપી કે અત્યાર સુધી બે લોકોના મોત થયા છે, જ્યારે 58 લોકો ચેપગ્રસ્ત થયા છે.
લીજનનેયર્સ રોગ ન્યુમોનિયાનું દુર્લભ પરંતુ ગંભીર સ્વરૂપ છે, જે લીજીયોનેલા બેક્ટેરિયા કારણે થાય છે. આ બેક્ટેરિયા ખાસ કરીને કૂલિંગ ટાવર્સ, હોટ ટબ્સ અને મોટી ઇમારતોની પાણી વ્યવસ્થામાં વધે છે. ચેપ ત્યારે ફેલાય છે જ્યારે દૂષિત પાણીની ઝીણી ઝાકળ અથવા વરાળ શ્વાસ દ્વારા શરીરમાં જાય છે.
આઉટબ્રેકની સ્થિતિ
જુલાઈના અંતમાં પ્રથમ 22 કેસ સામે આવ્યા હતા, જેમાં એકના મોત થયા હતા. ઓગસ્ટની શરૂઆતમાં આ સંખ્યા વધીને 58 કેસ અને બે મોત સુધી પહોંચી. ચેપ પાંચ ઝિપ કોડમાં ફેલાયો હતો. તપાસમાં 11 કૂલિંગ ટાવર્સમાં બેક્ટેરિયાની હાજરી મળી આવી, જેને તાત્કાલિક સાફ કરવામાં આવ્યા.
લક્ષણો
ચેપ લાગ્યા પછી 2થી 10 દિવસમાં લક્ષણો દેખાય છે –
ઉંચો તાવ, શરદી
ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ
માથાનો અને સ્નાયુઓનો દુખાવો
ક્યારેક ઝાડા, ઉલટી અથવા મૂંઝવણ
સૌથી વધુ જોખમમાં કોણ?
50 વર્ષથી વધુ ઉંમરના લોકો
ધુમ્રપાન કરનારાઓ
ફેફસાના લાંબા રોગવાળા અથવા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારાઓ
સારવાર અને નિવારણ
લીજનનેયર્સ માટે કોઈ રસી નથી. એન્ટિબાયોટિક્સથી સારવાર થાય છે અને વહેલી સારવારમાં દર્દી સ્વસ્થ થઈ શકે છે. બિલ્ડિંગ મેનેજમેન્ટને પાણી પ્રણાલીઓની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. ઘરગથ્થુ સ્તરે શાવરહેડ્સ સાફ રાખવા, વોટર હીટરને 120°F પર સેટ કરવું અને પાણીની પાઈપો સમયસર ફ્લશ કરવી સલાહરૂપ છે.
આ રોગચાળો દર્શાવે છે કે શહેરી વિસ્તારોમાં પાણી સંબંધિત માળખાની યોગ્ય જાળવણી ન થાય તો ગંભીર પરિણામો આવી શકે છે.