ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ODI ટીમના કેપ્ટન રોહિત શર્મા નવી ODI બેટ્સમેન રેન્કિંગમાંથી ગાયબ થઈ ગયા છે. વ્હાઇટ બોલના આ બે સ્ટાર બેટ્સમેન ટોપ-100માં પણ નથી. આ આશ્ચર્યજનક પણ છે કારણ કે, ગયા અઠવાડિયે જ રોહિત શર્મા ODI બેટ્સમેન રેન્કિંગમાં બીજા સ્થાને હતો. જ્યારે વિરાટ કોહલી 736 પોઈન્ટ સાથે ચોથા ક્રમે હતો. નવી અપડેટ પછી, બંને ટોપ-100 માંથી પણ બહાર થઈ ગયા છે.
વિરાટ-રોહિતનું નામ ગાયબ થવાનું કારણ
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અને હવે તેઓ ફક્ત ODI ફોર્મેટમાં જ રમતા જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, રેન્કિંગમાંથી તેમના બંનેના નામ ગાયબ થવા પાછળ ICC સિસ્ટમમાં ટેકનિકલ ખામી હોવાનું જણાય છે. જોકે, કેટલાક ચાહકો એવું પણ લખી રહ્યા છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્માએ આ વર્ષે માર્ચથી કોઈ ODI મેચ રમી નથી, તેથી ICCએ તેમને બાકાત રાખ્યા છે.ICC ODI બેટ્સમેન રેન્કિંગમાં શુભમન ગિલ 784 પોઈન્ટ સાથે ટોપ પર છે. બાબર આઝમ બીજા સ્થાને, ડેરિલ મિશેલ ત્રીજા સ્થાને, ચારિથ અસલંકા ચોથા સ્થાને અને હેરી ટ્રેક્ટર પાંચમા સ્થાને છે. શ્રેયસ અય્યર ટોપ-10માં બીજો ભારતીય છે. આ ઉપરાંત, વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપ બે સ્થાન આગળ વધીને સાતમા ક્રમે પહોંચી ગયા છે. જ્યારે અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાન અને શ્રીલંકાના કુસલ મેન્ડિસને એક-એક ક્રમનું નુકસાન થયું છે. ટ્રેવિસ હેડ 10મા સ્થાને યથાવત છે.
કેશવ મહારાજ નંબર-1 બોલર બન્યો
દક્ષિણ આફ્રિકાના લેફ્ટી સ્પિનર કેશવ મહારાજ બુધવારે ICC દ્વારા જાહેર કરાયેલી હાલની ODI બોલર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. મહારાજે મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટ લઈને સીરિઝની પ્રથમ ODIમાં દક્ષિણ આફ્રિકાની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેશવ મહારાજ બે ક્રમનો ઉછાળો મેળવીને 687 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. શ્રીલંકાના મહેશ તીક્ષ્ણા અને ભારતના કુલદીપ યાદવને એક-એક ક્રમનું નુકસાન થયું છે. તીક્ષ્ણા બીજા સ્થાને પહોંચી ગયા છે જ્યારે કુલદીપ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.ICC ODI બોલર રેન્કિંગમાં ટોપ-10માં સામેલ અન્ય ભારતીય રવિન્દ્ર જાડેજા 9 મા સ્થાને છે. ટોપ-10માં અન્ય કોઈ ફેરફાર નથી. નામિબિયાના બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ ચોથા સ્થાને, અફઘાનિસ્તાનના રાશિદ ખાન પાંચમા સ્થાને, ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનર છઠ્ઠા સ્થાને, ન્યૂઝીલેન્ડના મેટ હેનરી સાતમા સ્થાને, શ્રીલંકાનો વાનિંદુ હસરંગા આઠમા સ્થાને, ભારતના રવિન્દ્ર જાડેજા નવમા સ્થાને અને ઓસ્ટ્રેલિયાના એડમ ઝામ્પા દસમા સ્થાને છે. ટોપ 10 બોલરોમાં 9 બોલર સ્પિનરો છે. ન્યૂઝીલેન્ડના મેટ હેનરી એકમાત્ર ફાસ્ટ બોલર છે જેનું નામ ODIના ટોપ- 10 બોલર્સની યાદીમાં સામેલ છે.