IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટાઇટલ જીત્યા પછી, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વિજય પરેડ યોજાઈ હતી. આ વિજય પરેડ દરમિયાન, સ્ટેડિયમની બહાર દોડધામ થઈ હતી, જેમાં 11 લોકો મરી ગયા હતા. ઉપરાંત, 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પછી, જસ્ટિસ જોન માઈકલ ડી'કુન્હાની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરવામાં આવી હતી, જેણે તેની તપાસમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને મોટા કાર્યક્રમો માટે અસુરક્ષિત ગણાવ્યું હતું. જાણો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની મેચો કયા સ્ટેડિયમમાં યોજાઇ અને ICC ચેરમેન જય શાહના શું માને છે, અને મહિલા વર્લ્ડ કપની કેટલી નોકઆઉટ મેચો ભારતમાં?
ICC ચેરમેન જય શાહના મતે
ICC ચેરમેન જય શાહ માને છે કે, નવી મુંબઈનું DY પાટિલ સ્ટેડિયમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ મેચો માટે એક આદર્શ સ્થળ છે. તેમણે કહ્યું, 'થોડાક વર્ષોમાં નવી મુંબઈ મહિલા ક્રિકેટ માટે એક શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય મેચો અને મહિલા પ્રીમિયર લીગ (WPL) દરમિયાન તેને મળેલ સમર્થન નોંધપાત્ર છે. આનાથી ખેલાડીઓનો ઉત્સાહ વધ્યો છે અને ચાહકોને પ્રેરણા મળી છે. મને ખાતરી છે કે, 12 વર્ષ પછી ભારતમાં યોજાનારી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ મેચો દરમિયાન પણ આવી જ ઉર્જા જોવા મળશે.'
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની મેચો કયા સ્ટેડિયમમાં?
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચો હવે નવી મુંબઈ ખસેડવામાં આવી છે. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે વધુમાં વધુ પાંચ મેચ રમાશે. DY પાટિલ સ્ટેડિયમ ઉપરાંત, મેચો ACA સ્ટેડિયમ (ગુવાહાટી), હોલકર સ્ટેડિયમ (ઇન્દોર), ACA-VDCA સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ) અને આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) ખાતે રમાશે.
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 નોકઆઉટ મેચો કયા સ્ટેડિયમમાં?
ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ની પહેલી સેમિફાઇનલ 29 ઓક્ટોબરે ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ 30 ઓક્ટોબરે નવી મુંબઈમાં રમાશે. અને ટુર્નામેન્ટની ફાઇનલ 2 નવેમ્બરે કોલંબો અથવા નવી મુંબઈમાં રમાશે. જો પાકિસ્તાની ટીમ સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે, તો તે કોલંબોમાં પહેલી સેમિફાઇનલ રમશે. જો પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો ફાઇનલ મેચ પણ કોલંબોમાં યોજાશે. જો સેમિફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થાય છે, તો પ્રથમ સેમિફાઇનલ કોલંબોમાં યોજાશે. જો પાકિસ્તાની ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં અસમર્થ રહે છે, તો બધી નોકઆઉટ મેચ ભારતમાં જ યોજાશે.