છેલ્લા બે દિવસથી સૌથી વધુ ચર્ચાનો વિષય ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર છે. તેની પાછળનું કારણ એશિયા કપની ટીમમાં પસંદ ન કરવો. IPL 2025 માં 600 થી વધુ રન, સૌથી વધુ સ્ટ્રાઇક રેટ, ODI માં ઉત્તમ પ્રદર્શન છતાં, ઐયરને એશિયા કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. BCCI ના આ નિર્ણયથી બધા આશ્ચર્યચકિત થયા હતા, પરંતુ હવે ઐયર વિશે વધુ એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ખરેખર, BCCI એ એક ખાસ યોજના બનાવી છે. અગાઉ ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેનેજમેન્ટ શુભમન ગિલને બધા ફોર્મેટમાં કેપ્ટન બનાવવા માંગે છે. તેથી જ તેને એશિયા કપમાં ઉપ-કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, BCCI શ્રેયસ ઐયરને ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. એવા સમાચાર છે કે 2027 ના ODI વર્લ્ડ કપ પહેલા શ્રેયસ ઐયરને ભારતીય ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. હાલમાં રોહિત શર્મા ODI ટીમનો કેપ્ટન છે, પરંતુ કોઈને ખબર નથી કે રોહિત કેટલો સમય રમશે. રોહિત T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે તેને ODI માં ક્યાં સુધી તક મળે છે. એ પણ નિશ્ચિત છે કે રોહિત શર્મા તેના ભવિષ્ય વિશે નિર્ણય લે તે પછી જ ઐયરને ODI ટીમની કપ્તાની સોંપવામાં આવશે.
IPLમાં ઐયરની કેપ્ટનશીપ
શ્રેયસ ઐયરે IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો. તેની કેપ્ટનશીપમાં ટીમ ચેમ્પિયન બની હતી. ત્યારબાદ ઐયરે IPL 2025 માં પંજાબ કિંગ્સનો કેપ્ટન બન્યો હતો. આ વખતે પણ તેણે શાનદાર કેપ્ટનશીપ કરી અને ટીમને ફાઇનલમાં પહોંચાડી. જોકે, આ વખતે તે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો નહીં, પરંતુ ઐયરે પોતાની કેપ્ટનશીપથી મોટા દિગ્ગજોના દિલ જીતી લીધા. IPL 2025માં ઐયરના બેટમાંથી 600 થી વધુ રન પણ આવ્યા હતા.