એશિયા કપ નવમી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. તેના માટે ભારતીય ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી સપ્ટેમ્બરે મેચ યોજાવાની છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ મેચને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. હરભજન સિંહ જેવા કેટલાક પૂર્વ ક્રિકેટરો અને કેટલાક નેતાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, 'આ નિર્ણયમાં ટીમના ખેલાડીઓનો કોઈ વાંક નથી. તે BCCI અને ભારત સરકારના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે.'
આ નિર્ણયમાં ટીમના ખેલાડીઓનો કોઈ વાંક નથી"
મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું, 'જો સરકારે કોઈ નિર્ણય લીધો હોય, તો ખેલાડીઓની ટીકા કેવી રીતે થઈ શકે છે અથવા તેમના પર ટિપ્પણીઓ કેવી રીતે કરી શકાય છે. ખેલાડીઓનો BCCI સાથે કરાર છે અને તે ભારત સરકાર પાસેથી સૂચનાઓ લેતા હોવા જોઈએ. તેથી બધું તેમના પર નિર્ભર છે.'
પૂર્વ ક્રિકેટરોએ મેચ બહિષ્કાર કરવાની અપીલ કરી
ભારતના પૂર્વ ક્રિકેટરોએ બીસીસીઆઈને સલાહ આપી છે કે, પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. હરભજને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સની મેચોમાં ભાગ લીધો હતો, ત્યારે પણ તે પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કરનારા ખેલાડીઓમાં સામેલ હતો. જ્યારે કેદાર જાધવે એશિયા કપ-2025માં પાકિસ્તાન સાથેની મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.