ફેન્સ એશિયા કપની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં આ વખતે T20 ફોર્મેટમાં રમાતી ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. એશિયા કપ 2025 ની મેચો દુબઈ અને અબુ ધાબી, UAE માં રમાશે.અત્યાર સુધી ફક્ત ભારત અને પાકિસ્તાને જ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં બાકીની 6 ટીમોની ટીમની જાહેરાત હજુ બાકી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી પ્રજ્ઞાન ઓઝાને એશિયા કપમાં મોટી જવાબદારી મળી છે.
ઓઝાને ટેકનિકલ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમના ભૂતપૂર્વ લેફ્ટ સ્પિન બોલર પ્રજ્ઞાન ઓઝાને ટેકનિકલ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમાં સમિતિના સભ્ય તરીકે તે રમત સંબંધિત વિવાદોનું નિરાકરણ કરશે અને ટુર્નામેન્ટની વચ્ચે ખેલાડીના સ્થાને ખેલાડીને મંજૂરી આપવી કે નહીં તે પણ નક્કી કરશે. ટેકનિકલ કમિટીની મુખ્ય જવાબદારી ટુર્નામેન્ટનું યોગ્ય રીતે સંચાલન કરવાની છે, જેમાં તે એ પણ સુનિશ્ચિત કરશે કે રમતના નિયમોનું સંપૂર્ણ પાલન થાય.
પ્રજ્ઞાન ઓઝા વિશે વાત કરીએ તો, ક્રિકેટને અલવિદા કહ્યા પછી તેમને IPL ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે પણ કામ કર્યું હતું, અને તેઓ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના સભ્ય પણ રહી ચૂક્યા છે. પ્રજ્ઞાન ઓઝાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 24 ટેસ્ટ, 18 ODI અને 6 T20 મેચ રમી છે. આ દરમિયાન તેમને ટેસ્ટ ક્રિકેટમાં 113 વિકેટો લેવામાં સફળ રહ્યા, જ્યારે તેમને ODIમાં 21 વિકેટો અને T20 ઈન્ટરનેશનલ મેચોમાં 10 વિકેટો લીધી.