ભારતીય ક્રિકેટ ટીમે ખેલાડીઓની ફિટનેસ વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. રગ્બી સંબંધિત બ્રોન્કો ટેસ્ટ હવે બેંગલુરુમાં BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે શરૂ કરવામાં આવી છે. બ્રોન્કો ટેસ્ટ શું છે? જાણો સંપૂર્ણ માહિતી
બ્રોન્કો ટેસ્ટ શું છે?
બ્રોન્કો ટેસ્ટ શરૂ કરવા પાછળનો વિચાર એ છે કે, BCCI ઇચ્છે છે ભારતીય ખેલાડીઓ જીમમાં વધુ સમય વિતાવવાને બદલે મેદાન પર વધુ દોડે. મીડિયા રિપોર્ટ અનુસાર, BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે આ ટેસ્ટ શરૂ થઈ ચૂકી છે. બ્રોન્કો ટેસ્ટમાં ત્રણ તબક્કા છે. એક ખેલાડીએ 20 મીટર શટલ રનથી શરૂઆત કરવી પડશે. આ પછી, તેણે 40 મીટર અને 60 મીટર દોડવું પડશે. એક સેટમાં કુલ અંતર 240 મીટર હશે. એક ખેલાડીએ કુલ 5 સેટ કરવાના રહેશે. જેનું અંતર 1200 મીટર હશે. ખેલાડીએ આ ટેસ્ટ 6 મિનિટમાં રોકાયા વિના પાસ કરવી પડશે.
ટીમના કોચ એડ્રિયન લે રોક્સે ટેસ્ટ કરાવ્યો, ગંભીર સંમત થયા
ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ એડ્રિયન લે રોક્સે બ્રોન્કો ટેસ્ટ સૂચવ્યો હતો. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર આ માટે સંમત થયા હતા. અહેવાલો અનુસાર, ઘણા ખેલાડીઓ બેંગલુરુ ગયા છે અને ટેસ્ટ આપ્યો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, "બ્રોન્કો ટેસ્ટ 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે શરૂ કરવામાં આવ્યો છે. ભારતના કેટલાક કરારબદ્ધ ખેલાડીઓએ બેંગલુરુ પહોંચીને આ ટેસ્ટ આપ્યો હતો. ખેલાડીઓની ફિટનેસ માટે સ્પષ્ટ ધોરણ નક્કી કરવા માટે બ્રોન્કો ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવું પણ જોવા મળ્યું હતું કે ભારતીય ક્રિકેટરો, ખાસ કરીને ફાસ્ટ બોલરો, પૂરતા પ્રમાણમાં દોડી રહ્યા ન હતા અને જીમમાં વધુ સમય વિતાવી રહ્યા હતા. ખેલાડીઓને હવે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, તેઓએ તેમની તાલીમમાં દોડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે."