ચીનમાં યોજાઈ રહેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ મુદ્દે કડક સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, “ભારત આતંકવાદના ત્રાસથી 4 દાયકાથી પીડાઈ રહ્યું છે. અસંખ્ય માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે અને ઘણા બાળકો અનાથ બન્યા છે.”
પીએમ મોદીએ તાજેતરના પહેલગામના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ હુમલો ફક્ત ભારતની આત્મા પર નહીં પરંતુ માનવતામાં વિશ્વાસ ધરાવતા દરેક દેશ માટે એક પડકાર છે. આ દુઃખની ઘડીમાં ભારત સાથે ઉભા રહેલા મિત્ર દેશોનો તેમણે આભાર માન્યો.
પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “શું આપણે કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપવા સહન કરી શકીએ? આપણે એક અવાજમાં કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ બેવડા ધોરણ સ્વીકારવામાં નહીં આવે.”
તેમણે આગળ કહ્યું કે, “આતંકવાદના દરેક સ્વરૂપ અને રંગનો વિરોધ કરવો જરૂરી છે. આ માનવતા પ્રત્યે આપણી જવાબદારી છે.”