પંજાબમાં સતત ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાંથી છોડાયેલા પાણીના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. રાજ્ય સરકારે પંજાબને આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કર્યું છે. રાજ્યના તમામ 23 જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે, નદીઓ-નાળાઓ છલકાઈ રહ્યા છે અને બંધોમાંથી પાણી છોડાયા બાદ સ્થિતિ વધુ વિકટ બની છે.
હવામાન વિભાગના ડિરેક્ટર સુરેન્દ્રે જણાવ્યું કે આ વખતે પહાડી વિસ્તારોમાં પણ રેકોર્ડ તોડ વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં દબાણ વધ્યું. જોકે તેમણે આશા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટશે અને લોકોને થોડું રાહત મળશે.
નિષ્ણાતોનો આક્ષેપ : ડ્રેનેજ સિસ્ટમની સાફસફાઈ ન થતા સ્થિતિ ભયંકર
ભૂતપૂર્વ મુખ્ય ઇજનેરે જણાવ્યું કે પંજાબની 8,000 કિમી લાંબી ડ્રેનેજ સિસ્ટમ સમયસર સાફ ન થતાં હાલની પરિસ્થિતિ ઉભી થઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ચોમાસા પહેલા નદીઓ-નહેરોની સફાઈ, પાળાઓનું સમારકામ અને અતિક્રમણ દૂર કરવાની કામગીરી પૂરતી રીતે થઈ નહોતી. સરકારને જાન્યુઆરીમાં જ તૈયારી કરવી જોઈતી હતી, પરંતુ તે મે મહિનામાં કરવામાં આવી.
નદીઓમાં ક્ષમતા કરતાં વધારે પ્રવાહ
સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર નદીઓ એકસાથે પ્રભાવિત થઈ રહી છે. સતલજ નદીની ક્ષમતા 2 લાખ ક્યુસેક છે, પરંતુ પ્રવાહ 2.60 લાખ ક્યુસેક સુધી પહોંચી ગયો છે. બિયાસમાં પણ તેની ક્ષમતા કરતાં વધુ પાણી વહી રહ્યું છે, જ્યારે રાવી નદીનો પ્રવાહ સરહદ પાર પહોંચ્યો છે.
અત્યાર સુધી 37નાં મોત, 1,000થી વધુ ગામડાં પાણીમાં
અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે, જ્યારે 1,000 થી વધુ ગામડાં પાણીમાં ગરકાવ થયા છે. 3 લાખ એકરથી વધુ ખેતીલાયક જમીનને ભારે નુકસાન થયું છે. સૌથી વધુ અસર પઠાણકોટ, ગુરદાસપુર, હોશિયારપુર, કપૂરથલા, જલંધર, ફિરોઝપુર, ફાઝિલ્કા, અમૃતસર, તરનતારન અને મોગા જિલ્લાઓમાં જોવા મળી રહી છે.