ભારત ધીમે ધીમે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) 2023ના અહેવાલ મુજબ, પહેલી વાર ગ્રામીણ ભારતમાં કુલ પ્રજનન દર (TFR) 2.1 પર આવી ગયો છે, જે રિપ્લેસમેન્ટ લેવલ માનવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે હવે એક પેઢી માત્ર પોતાની પેઢીને જ બદલી રહી છે અને વસ્તી સ્થિર થવાની દિશામાં છે. દેશમાં હાલનો સરેરાશ પ્રજનન દર 1.9 છે, જ્યારે 1971માં આ દર 5.2 હતો.
અહેવાલ મુજબ, બાળકોની વસ્તી સતત ઘટી રહી છે. 1971 થી 1981 દરમિયાન 0 થી 14 વર્ષની વય જૂથનો હિસ્સો 41.2 ટકા પરથી ઘટીને 38.1 ટકા થયો હતો. ત્યારબાદ 1991 થી 2023 દરમિયાન આ આંકડો વધુ ઘટીને 24.2 ટકા થયો છે. આ વય જૂથમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતાં વધુ છે, સિવાય કે દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓ વધારે છે.
બીજી તરફ, કાર્યકારી વય જૂથ એટલે કે 15 થી 59 વર્ષની વસ્તીનો હિસ્સો સતત વધી રહ્યો છે. 1971માં 53.4 ટકા રહેલો આ હિસ્સો 2023માં વધીને 66.1 ટકા થયો છે. સૌથી વધુ કાર્યકારી વયની વસ્તી દિલ્હીમાં (70.8 ટકા), ત્યારબાદ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છે, જ્યારે સૌથી ઓછો બિહારમાં (60.1 ટકા) છે. શહેરી વિસ્તારોમાં આ પ્રમાણ 68.8 ટકા છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 64.6 ટકા છે.
વૃદ્ધોની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. 2023માં 60 વર્ષથી વધુ વયના લોકોનો હિસ્સો 9.7 ટકા નોંધાયો છે. કેરળ (15.1 ટકા), તમિલનાડુ (14 ટકા) અને હિમાચલ પ્રદેશ (13.2 ટકા) વૃદ્ધ વસ્તી ધરાવતા રાજ્યોમાં સૌથી આગળ છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારત હવે યુવા વસ્તીમાંથી વૃદ્ધ વસ્તી તરફ બદલાઈ રહ્યું છે અને આવતા વર્ષોમાં દેશ માટે આ એક મોટો સામાજિક-આર્થિક પડકાર બની શકે છે.