ગયા અઠવાડિયે ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કાર યાત્રાએ દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી હતી. બંનેએ કારમાં લગભગ 45 મિનિટ સુધી વાત કરી હતી, પરંતુ કયા મુદ્દા પર ચર્ચા થઈ તે સ્પષ્ટ નહોતું. હવે પુતિને સંકેત આપ્યો છે કે તેમણે પીએમ મોદી સાથે અમેરિકા સંબંધિત મુદ્દા પર વાત કરી હતી. જોકે, તેમણે વિસ્તારે માહિતી નથી આપી...
પુતિને પત્રકારોને કહ્યું, 'સારું, આ કોઈ સિક્રેટ નથી. મેં તેમને અલાસ્કામાં થયેલી વાતચીત વિશે કહ્યું.' ખાસ વાત એ છે કે પુતિન ઓગસ્ટમાં યુક્રેન યુદ્ધના મુદ્દા પર અલાસ્કામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. જોકે, બંને વચ્ચે કોઈ નક્કર સમજૂતી થઈ શકી ન હતી. આ પછી રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીએ ફોન પર પણ વાત કરી હતી, જે દરમિયાન ભારતીય પક્ષને અલાસ્કામાં થયેલી બેઠક વિશે માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ પીએમ મોદીએ લખ્યું હતું કે, 'મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનો આભાર, ફોન કોલ કરવા અને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાતમાંથી આંતરદૃષ્ટિ શેર કરવા માટે. ભારતે સતત યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે હાકલ કરી છે અને આ સંદર્ભમાં તમામ પ્રયાસોને સમર્થન આપે છે. હું આવનારા દિવસોમાં અમારા સતત આદાનપ્રદાનની રાહ જોઉં છું.'
ચીનમાં કાર યાત્રા
ગત અઠવાડિયે, રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી SCO અથવા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વાર્ષિક સમિટમાં હાજરી આપવા માટે ચીનના તિયાનજિન પહોંચ્યા હતા. ત્યાં સત્તાવાર વાતચીત પહેલાં, બંને નેતાઓ SCO સમિટમાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી એક જ કારમાં બેઠક સ્થળ પર સાથે ગયા હતા. ખાસ વાત એ છે કે રશિયન રાષ્ટ્રપતિએ કારમાં બેસતા પહેલા વડા પ્રધાન મોદીના આગમનની લગભગ 10 મિનિટ રાહ જોઈ હતી. સ્થળ, રિટ્ઝ કાર્લટન હોટેલ પહોંચ્યા પછી પણ, બંને 45 મિનિટ સુધી કારમાં ચર્ચા કરી રહ્યા હતા.
ખાસ વાત એ છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની મુલાકાત એવા સમયે થઈ જ્યારે ટ્રમ્પ રશિયન તેલ ખરીદવા માટે ભારતને નિશાન બનાવી રહ્યા છે. અમેરિકાએ ભારત પર 50 ટકા ડ્યુટી લગાવીછે અને હવે પ્રતિબંધોની ચેતવણી આપી રહ્યું છે.