યુરોપિયન યુનિયન (EU) પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ગુરુવારે (4 સપ્ટેમ્બર, 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન, બંને નેતાઓએ ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (FTA) ને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
ઉર્સુલા વોને જણાવ્યું કે યુક્રેન યુદ્ધના અંત અને શાંતિ સ્થાપન માટે ભારતની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો કે રશિયાનું આક્રમક યુદ્ધ વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે જોખમી છે.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધો વેપાર, ટેકનોલોજી, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા અને પુરવઠા શૃંખલા જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. પીએમ મોદીએ EUના ટોચના નેતા એન્ટોનિયો કોસ્ટા સાથે પણ વાત કરી અને આગામી ભારત-યુરોપિયન યુનિયન સમિટ અંગે ચર્ચા કરી.
ભારત અને EU વચ્ચે FTA વાટાઘાટોનો 13મો રાઉન્ડ 8 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થશે. આઠ વર્ષના અંતરાલ બાદ જૂન 2022માં વાટાઘાટો ફરી શરૂ થયા હતા. અગાઉ 2013માં બજાર ઍક્સેસ અંગેના મતભેદોને કારણે પ્રક્રિયા અટકી ગઈ હતી.