અફઘાનિસ્તાન ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, ગુરુવારે (4 સપ્ટેમ્બર, 2025) દક્ષિણપૂર્વ અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. તેના ઝટકાઓ પાકિસ્તાન અને દિલ્હીમાં પણ અનુભવાયા હતા.
ભારે જાનહાનિ અને વિનાશ
કુનાર પ્રાંતમાં આવેલા આ ભૂકંપમાં અત્યાર સુધી મૃત્યુઆંક વધીને 1,457 થયો છે, જ્યારે 3,394 થી વધુ લોકો ઘાયલ થયા છે. અંદાજે 6,700થી વધુ ઘરો ધરાશાયી થયા છે. કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી ચાલુ છે, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે બચાવ કાર્ય હજી અધૂરું છે.
પીડિતોને રાહતનો અભાવ
ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં લોકો પાણી, ખોરાક અને તબીબી સુવિધાઓની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. તાલિબાન વહીવટીતંત્રે દાવો કર્યો છે કે અનેક પરિવારો સુધી માનવતાવાદી સહાય પહોંચાડવામાં આવી છે અને રસ્તાઓ ખોલવામાં આવ્યા છે, છતાં દૂરના પર્વતીય વિસ્તારો સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય સહાય
રેડ ક્રોસ અને વિશ્વ આરોગ્ય સંગઠન સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રાહત કાર્યમાં જોડાઈ છે. ભારત, જાપાન, ઈરાન અને તુર્કી સહિત અનેક દેશો તરફથી સહાય મોકલાઈ છે. જોકે, દુર્ગમ ભૂપ્રદેશ અને ભારે વિનાશને કારણે આવશ્યક સામગ્રી તથા તબીબી સેવાઓ પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે.
ભૂતકાળની તબાહી
યાદ રહે કે ઓક્ટોબર 2023માં આ જ વિસ્તારમાં આવેલા ભૂકંપમાં 1,500થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 2022માં આવેલા અન્ય એક ભૂકંપમાં પણ 1,000થી વધુ જીવ ગુમાયા હતા.