પૂર્વી અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં 1 સપ્ટેમ્બરે આવેલા 6.0 તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 1,411 લોકોનાં મોત થયાં છે, જ્યારે 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે અને 5,000થી વધુ ઘરો ધરાશાયી થયા છે.
ભારતનો માનવતાવાદી સહયોગ
અફઘાનિસ્તાનના આ સંકટ સમયે ભારત આગળ આવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ભારતે કાબુલમાં હવાઈ માર્ગે 21 ટન માનવતાવાદી સહાય પહોંચાડી છે. આ સામગ્રીમાં ધાબળા, તંબુ, સ્વચ્છતા કીટ, પાણી સંગ્રહ ટાંકી, જનરેટર, રસોડાના વાસણો, પાણી શુદ્ધિકરણ ગોળીઓ, પોર્ટેબલ વોટર પ્યુરિફાયર, આવશ્યક દવાઓ, સ્લીપિંગ બેગ, વ્હીલચેર અને તબીબી સામાનનો સમાવેશ થાય છે.
જયશંકરે X (પૂર્વે Twitter) પર પોસ્ટ કરી લખ્યું કે “ભારતીય ભૂકંપ સહાય કાબુલ પહોંચી ગઈ છે. આ દુઃખદ ઘડીમાં ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે છે.”
યુએનની વધારાની સહાયની અપીલ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે અફઘાનિસ્તાનમાં થયેલા આ વિનાશ પછી વધારાના સંસાધનોની માંગ કરી છે. તેમણે કહ્યું કે હાલનું માનવતાવાદી સહાય ભંડોળ પૂરતું નથી. યુએનએ પ્રારંભિક પગલા તરીકે તેના કટોકટી ભંડોળમાંથી 5 મિલિયન ડોલર ફાળવ્યા છે.
તાલિબાનનું નિવેદન
તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે કુનાર પ્રાંતમાં આવેલો ભૂકંપ ખાસ કરીને નુરગલ, સુકી, ચાપા દારા, પેચ દારા અને અસદાબાદ જિલ્લાઓમાં સૌથી વધુ વિનાશકારી રહ્યો છે.