રેટિંગ એજન્સી મૂડીઝના મુખ્ય ઈકોનોમીસ્ટ માર્ક ઝાંડીએ ચેતવણી આપી છે કે અમેરિકા હવે મંદીના આરે છે. તેમણે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે દેશના તે રાજ્યો, જે અમેરિકાની કુલ GDPનો તૃતીયાંશ હિસ્સો ધરાવે છે, હાલ મંદીમાં છે અથવા તેની આરે પહોંચી ગયા છે. ઝાંડી એ જ અર્થશાસ્ત્રી છે જેમણે 2008ની વૈશ્વિક આર્થિક મંદીની આગાહી કરી હતી.
અમેરિકન્સ માટે સીધી અસર
ઝાંડીએ જણાવ્યું કે મંદીની બે મુખ્ય અસર સામાન્ય અમેરિકન પર પડશે :
આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો – ફુગાવો વધવાથી રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થશે.
રોજગાર પર આંચકો – ખોરાક, ઉત્પાદન અને પરિવહન ઉદ્યોગોમાં નોકરીઓનું સંકટ ઊભું થશે.
હાલ ફુગાવો 2.7% છે, જે આવતા વર્ષે ચાર ટકા સુધી પહોંચી શકે છે, એમ તેમણે આગાહી કરી.
અર્થતંત્રને ઝટકો આપતા પરિબળો
ટેરિફનો ભાર : ટ્રમ્પ પ્રશાસન ભારત પરથી આયાત થતી વસ્તુઓ પર 50% ટેરિફ વસૂલી રહ્યું છે. તેનો સીધો પ્રભાવ અમેરિકન કંપનીઓના નફા પર પડી રહ્યો છે.
હાઉસિંગ માર્કેટમાં મંદી : ઘર ખરીદી અને વેચાણમાં ગિરાવટથી નાણાકીય તંત્ર પર દબાણ.
ઉત્પાદન ક્ષેત્રની ધીમી ગતિ : નવા ઓર્ડર ઘટતા ઉત્પાદન પ્રવૃત્તિમાં ઘટાડો.
સૌથી મોટો ફટકો વોશિંગ્ટનમાં
ઝાંડીએ કહ્યું કે મંદીની અસર સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે, પરંતુ સરકારી નોકરીઓમાં ઘટાડાને કારણે સૌથી મોટું નુકસાન વોશિંગ્ટન મેટ્રોપોલિટન વિસ્તારમાં જોવા મળી રહ્યું છે.
કયા રાજ્યો મજબૂત?
તેમના વિશ્લેષણ મુજબ, દક્ષિણ અમેરિકાના રાજ્યો તુલનાત્મક રીતે મજબૂત છે, પણ વૃદ્ધિ ધીમી પડી રહી છે. જ્યારે કેલિફોર્નિયા અને ન્યૂ યોર્ક, જે મળીને કુલ GDPના 20% હિસ્સો ધરાવે છે, હાલ સ્થીર છે. ઝાંડીએ જણાવ્યું કે આ બે રાજ્યનું ટકાઉ અર્થતંત્ર દેશને મંદીમાંથી બચાવવા માટે નિર્ધારક સાબિત થઈ શકે છે.