ચોરીના કિસ્સા સામાન્ય રીતે સોના-ચાંદી કે રોકડ સાથે જોડાયેલા હોય છે, પરંતુ મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં આખું તળાવ જ ગાયબ થઈ ગયું છે. આશરે ₹25 લાખના ખર્ચે બનાવાયેલ ‘અમૃત સરોવર’ તળાવ હકીકતમાં અસ્તિત્વમાં જ નથી – આ હકીકત RTI અરજી બાદ બહાર આવી છે.
RTIમાં ખુલાસો
ચાકઘાટના પૂર્વા મનીરામ ગામમાં અમૃત સરોવર યોજના હેઠળ 9 ઑગસ્ટ 2023ના રોજ તળાવ નિર્માણનો દાવો કરાયો હતો. દસ્તાવેજો મુજબ તળાવ જમીન નંબર 117 પર બનાવવામાં આવ્યું હોવું જોઈએ. પરંતુ તપાસમાં બહાર આવ્યું કે ત્યાં કોઈ તળાવ જ નથી
આરોપ છે કે ગામના સરપંચ ધીરેન્દ્ર તિવારીએ એક નાળાને રોકી પોતાની ખાનગી જમીન (જમીન નંબર 122) પર થોડું પાણી ભેગું કરીને તેને તળાવ તરીકે દર્શાવ્યું અને ₹24.94 લાખની રકમ ઉપાડી લીધી.
ગ્રામજનોમાં આક્રોશ, ઈનામની જાહેરાત
ગામજનો આ ઘટનાથી આક્રોશિત છે. તેઓએ પોલીસ, વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર સુધી ફરીયાદ કરી, પરંતુ કોઈ નક્કર પગલાં ન લેવાતા હવે લોકોએ ઢોલ વગાડી તળાવ શોધી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે.
તપાસના આદેશ
ફરિયાદને આધારે જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલક અધિકારીએ સરપંચ પાસેથી એક અઠવાડિયામાં રકમ વસૂલવાનો હુકમ આપ્યો છે. જોકે, કૌભાંડ છુપાવવા માટે સરપંચે પોતાની ખાનગી જમીનનો નાનો હિસ્સો સરકારને દાનમાં આપી દીધો.
ચાકઘાટના પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામ તિવારીએ જણાવ્યું કે, “અમને તળાવ ગાયબ હોવાની ફરિયાદ મળી છે, આ સ્પષ્ટ ગેરરીતિ છે.” કલેક્ટર પ્રતિભા પાલે પણ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
અન્ય તળાવો પણ ગાયબ
વિસ્તારના અન્ય કેટલાક તળાવો પણ રેકોર્ડમાં દર્શાવાયા છે, પરંતુ જમીન પર તેનો પત્તો જ નથી. ગ્રામજનો પોતાની શોધખોળ ચાલુ રાખી રહ્યા છે, જ્યારે પોલીસ અને પ્રશાસન હવે આ ભ્રષ્ટાચારની હકીકત બહાર લાવવા તત્પર છે.