Ajab Gajab: હાલ જ્યારે સંતાનો પોતાના માતા-પિતાની લાગણી નથી રાખતા. ત્યારે એક વાંદરા માટે ગામ લોકોની લાગણી જાણીને તમને પણ અચરજ થશે. આ ઘટના સામે આવી છે મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી. જ્યાં એક વાંદરાનું મોત નિપજે છે અને તેના શોકમાં આખા ગામના લોકો મુંડન કરાવે છે. ત્યારે તમને સવાલ પણ થશે કે આની પાછળનું શું કારણ હોઈ શકે. તો એ સવાલનો જવાબ પણ જાણીએ આ આર્ટિકલમાં.
પ્રેમ, લાગણી અને માણસાઈની મિસાલ કાયમ કરતી એક અનોખી ઘટના મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના એક નાના ગામ બલદેમાંથી સામે આવી છે. અહીં એક વાંદરાનું મૃત્યુ માત્ર દુ:ખદ બનાવ ન રહ્યો, પરંતુ સમગ્ર ગામ માટે આકસ્મિક શોક અને ભાવના સાથે જોડાયેલી ઘટના બની ગઈ.
શું થયું હતું?
23 ઓગસ્ટે બલદે ગામમાં રહેલા એક વાંદરો પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો. ઘાયલ વાંદરો જંગલમાં ભટકતો રહ્યો અને યોગ્ય સારવાર નહીં મળતા તેનું મૃત્યુ થયું. ગામના એક વ્યક્તિએ જ્યારે મૃત વાંદરાને જોયો, ત્યારે તેણે આ માહિતી ગામમાં ફેલાવી. આખા ગામમાં એક શોકનું માહોલ સર્જાયો.
વાંદરાના અંતિમ સંસ્કાર અને પાંચ દિવસનો શોક:
ગામલોકોએ વાંદરાની સાથેનો સંબંધ માત્ર એક પ્રાણી તરીકે નહોતો જોયો. તેમને તેને પરિવારના સભ્ય સમાન લાગતો. વાંદરાના મોત પછી ગામલોકોએ સમાજિક રીતે તેના અંતિમ સંસ્કાર કર્યા. આ સાથે પાંચ દિવસ સુધી શોક પાળવામાં આવ્યો.
3,000 લોકોનો હનુમાન ચાલીસા પાઠ:
27 ઓગસ્ટે હનુમાન મંદિરના પરિસરમાં વિશાળ બેસણું રાખવામાં આવ્યું, જેમાં આશરે 3,000 ગ્રામજનોએ ભાગ લીધો. હનુમાન ચાલીસાના પઠનથી શરૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ હર્ષભેર અને શ્રદ્ધાભાવથી યોજાયો.
ગામલોકોનું મુંડન અને સ્ત્રીઓ દ્વારા સુતક પાળવું:
ગામના અનેક પુરુષોએ વાંદરાના શોકમાં પોતાનું માથું મુંડાવીને શ્રદ્ધાંજલિ આપી. મહિલાઓએ પણ ઘરેલું રૂઢિગત રીત અનુસાર સુતક પાળ્યું અને કોઈ આનંદનું કાર્ય ન કર્યું. વાંદરા પ્રત્યેનો આ આદર અને લાગણી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
લોકો શું કહે છે?
સમાજશાસ્ત્રીઓ અને માનવાધિકાર સાથે જોડાયેલા લોકો માટે આ ઘટના એક ઉદાહરણરૂપ છે કે પ્રેમ અને લાગણી માત્ર માનવમાત્ર સુધી સીમિત નથી. જીવજંતુ પ્રત્યે પણ એવું જ ભાવનાત્મક નાતું બની શકે છે, જે સમાજને વધુ સહાનુભૂતિશીલ અને સંવેદનશીલ બનાવે છે.