ઉત્તર ભારતમાં ચોમાસાના અંતિમ તબક્કામાં વરસેલા ભારે વરસાદ અને પૂરની અસર હવે આગામી મોસમ પર પણ દેખાઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ, જો સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે, તો તાપમાન ઝડપથી ઘટે છે અને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતાં જ ભેજ બરફમાં ફેરવાઈ શકે છે. પરિણામે, આ વખતે ઠંડી સમય પહેલાં દસ્તક આપી શકે છે.
અસામાન્ય હવામાન પેટર્ન
પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ કરતાં સાતથી આઠ ગણો વધુ વરસાદ પડ્યો છે. સતત વરસાદ અને ભેજવાળી જમીનના કારણે મેદાની વિસ્તારોમાં આ વર્ષે ઠંડી અને ધુમ્મસ સમય પહેલાં જોવા મળી શકે છે. તેની અસર ખેતીથી લઈને ટ્રાફિક સુધી અનુભવાઈ શકે છે.
IMD અનુસાર ચોમાસું સામાન્ય રીતે સપ્ટેમ્બર મધ્યથી વિદાય લેવાનું શરૂ કરે છે, પરંતુ આ વખત ઉત્તર ભારતમાં વરસાદ એક અઠવાડિયા વધુ ચાલી શકે છે. શિમલામાં સપ્ટેમ્બરના પ્રથમ બે દિવસમાં જ સરેરાશ કરતાં 200% વધારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જમીન અને હવામાં ભેજ સામાન્ય કરતાં ઘણી વધારે છે. તાપમાન ઘટતાં જ આ ભેજ પર્વતોમાં વહેલી બરફવર્ષા લાવી શકે છે.
દિવાળીએ ઠંડીનો અહેસાસ
નિષ્ણાતોના અનુમાન મુજબ, 15 સપ્ટેમ્બર પછી પણ પશ્ચિમી વિક્ષેપ સક્રિય રહેશે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા 10-15 દિવસ વહેલી શરૂ થઈ શકે છે. જો ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં પશ્ચિમી વિક્ષેપ આવે છે, તો મેદાનોમાં તાપમાન સામાન્ય કરતાં 3-5 ડિગ્રી સુધી નીચે આવી શકે છે.
લા-નીના અસર
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે પેસિફિક મહાસાગર વિસ્તારમાં લા-નીના સક્રિય થઈ શકે છે, જે ભારતના હવામાન પર સીધી અસર કરશે. તેનો પરિણામ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડા રૂપે જોવા મળી શકે છે.
શિયાળુ કેલેન્ડરમાં ફેરફાર
IMD ડેટા સૂચવે છે કે પર્વતીય વિસ્તારમાં શિયાળાની શરૂઆતનો સમય બદલાઈ રહ્યો છે.
2021માં ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયે જ બરફ પડ્યો હતો.
2022માં કેદારનાથ અને યમુનોત્રી 20 સપ્ટેમ્બરે જ બરફથી ઢંકાઈ ગયા હતા.
આ જ રીતે, 2024માં પણ સપ્ટેમ્બરમાં ભારે વરસાદના કારણે શિયાળો તેના નિર્ધારિત સમય પહેલાં જ આવી પહોંચે તેવી સંભાવના છે.