OpenAI એ પુષ્ટિ કરી છે કે, તે 2025 ના અંત સુધીમાં ભારતમાં પોતાની પ્રથમ ઓફિસ ખોલશે. કંપનીના એક્ઝિક્યુટિવ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ઓફિસ નવી દિલ્હીમાં શરૂ થવાની તૈયારીમાં છે. સાથે સાથે, કંપનીએ દેશમાં કામગીરી શરૂ કરતાં પહેલા નવા કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. હાલમાં OpenAI પાસે ભારતમાં ફક્ત એક જ કર્મચારી છે. આ વિકાસ તાજેતરમાં કંપનીએ ChatGPT Plus અને Pro સબ્સ્ક્રિપ્શન પ્લાન માટે સસ્તું વિકલ્પ જાહેર કર્યા પછી થયો છે, જેનાથી વપરાશકર્તાઓને AI ચેટબોટ ઓછી કિંમતે વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
OpenAI ના એશિયા-પેસિફિક કોમ્યુનિકેશન હેડ, Jake Wilczynski એ linkedin પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી હતી કે, AI કંપની નવી દિલ્હીમાં પોતાની પ્રથમ ઓફિસ શરૂ કરીને ભારતમાં પોતાની હાજરી વિસ્તારી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઓફિસ 2025 ના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ ભારત ChatGPT માટે બીજું સૌથી મોટું બજાર છે, જે અમેરિકા પછી આવે છે. ફક્ત છેલ્લા એક વર્ષમાં જ ભારતમાં ChatGPTના સાપ્તાહિક સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા ચાર ગણી વધી છે. તેમણે એ પણ ઉમેર્યું કે OpenAI ભારતને વૈશ્વિક સ્તરે ટોચના પાંચ ડેવલપર બજારોમાં ગણે છે અને ભારતમાં ChatGPT વાપરતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.
હાલમાં ભારતમાં OpenAIની એકમાત્ર કર્મચારી પ્રજ્ઞા મિશ્રા છે, જે કંપનીની પબ્લિક પોલિસી હેડ છે. તેઓ OpenAIની ભારતમાં પ્રથમ ભરતી પણ છે અને કંપની તથા સરકાર વચ્ચે જાહેર નીતિ સંબંધિત મુદ્દાઓનું સંકલન કરે છે. OpenAIએ પોતાની વેબસાઈટ પર ત્રણ નવી ભારતીય જોબ પોસ્ટિંગ્સ પણ મૂક્યા છે. આ ત્રણેય ભૂમિકાઓ વેચાણ વિભાગ સાથે સંબંધિત છે – એકાઉન્ટ ડિરેક્ટર (ડિજિટલ નેટિવ), એકાઉન્ટ ડિરેક્ટર (લાર્જ એન્ટરપ્રાઇઝ) અને એકાઉન્ટ ડિરેક્ટર (સ્ટ્રેટેજિક્સ).
કંપનીના જણાવ્યા અનુસાર, ભારત ChatGPT માટે બીજું સૌથી મોટું બજાર છે અને તેથી OpenAI અહીં પોતાની હાજરી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં ટેક કંપનીએ ભારતીય બજાર માટે ChatGPT Go નામનો નવો સસ્તો સબ્સ્ક્રિપ્શન પ્લાન જાહેર કર્યો છે. હાલમાં ChatGPT Plus પ્લાનની કિંમત ₹1,999 પ્રતિ મહિનો છે, જ્યારે Pro પ્લાનની કિંમત ₹19,900 પ્રતિ મહિનો છે. બીજી તરફ, ChatGPT Go પ્લાન ફક્ત ₹399 પ્રતિ મહિને ઉપલબ્ધ છે. આ પ્લાનમાં મફત પ્લાન કરતાં વધારાની સુવિધાઓ મળે છે, જેમ કે ઊંચી મેસેજ મર્યાદા, મોટા ફાઈલ અપલોડ અને વિસ્તૃત ઈમેજ જનરેશન ક્ષમતાઓ.