વર્કિંગ વુમન્સને ઘણી બધી સમસ્યાઓમાંથી પસાર થવું પડતું હોય છે. જો તમે પણ એક વર્કિંગ વમુન હોવ તો તમારા માટે ખુશખબર છે. હવે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને રજા આપવાનો કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે જાહેર કર્યું છે કે સરકાર તેમજ ખાનગી ક્ષેત્રની મહિલાઓને દર મહિને એક દિવસની પેઇડ મેનસ્ટ્રુઅલ લીવ, એટલે કે માસિક ધર્મ દરમિયાન રજા મળશે. જે અંતર્ગત વર્ષમાં કુલ 12 દિવસની પેઇડ રજાનો લાભ દરેક મહિલા કર્મચારીને મળશે.
આ નિર્ણય સરકારના ઓફિસો ઉપરાંત ગારમેન્ટ ફેક્ટરી, આઇટી કંપનીઓ, ખાનગી ઉદ્યોગો અને અન્ય ક્ષેત્રો માટે પણ લાગુ થશે. કર્ણાટક ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જેણે આ પ્રકારની વ્યાપક નીતિને માન્યતા આપી છે. રાજ્ય મંત્રિમંડળે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી છે. હવે આ નીતિ માટેના નિયમો અને માર્ગદર્શિકા તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પગલું મહિલાઓના સ્વાસ્થ્ય અને કાર્યજીવન વચ્ચે સંતુલન રાખવામાં મદદરૂપ થશે. જોકે, કેટલાક ઉદ્યોગોમાં તેના અમલીકરણ અંગે ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. આ નિર્ણય મહિલાઓ માટે એક પ્રગતિશીલ પહેલ માનવામાં આવી રહી છે, અને શક્ય છે કે હવે અન્ય રાજ્ય સરકારો પણ આ દિશામાં પગલાં ભરે.