Aadhaar Card Alert:આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ એ માત્ર પ્લાસ્ટિકનું કાર્ડ નથી, પરંતુ આપણી નાણાકીય અને સામાજિક ઓળખનો સૌથી મજબૂત સ્તંભ છે. બેંક ખાતું ખોલાવવું હોય, સરકારી યોજનાનો લાભ લેવો હોય કે મુસાફરી કરવી હોય, દરેક જગ્યાએ આધાર અનિવાર્ય છે. જોકે, ઘણા લોકો આધારમાં રહેલી નાની-મોટી ભૂલોને હળવાશથી લેતા હોય છે અને વારંવાર સુધારા કરાવતા હોય છે. જો તમે પણ આવું વિચારી રહ્યા હોવ તો ચેતી જજો, કારણ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ડેટાની સુરક્ષા અને દુરુપયોગ રોકવા માટે વિગતો અપડેટ કરવાની મર્યાદા નક્કી કરી દીધી છે.
તાજેતરના નિયમો મુજબ, આધાર કાર્ડમાં રહેલી તમામ વિગતો ગમે તેટલી વાર બદલી શકાતી નથી. ખાસ કરીને જન્મતારીખ અને લિંગ જેવી સંવેદનશીલ માહિતી માટે હવે તમારી પાસે સુધારાની બહુ મર્યાદિત તકો છે. જો તમે આ મર્યાદા વટાવી દીધી, તો તમારે દસ્તાવેજો સાથે UIDAI ની પ્રાદેશિક કચેરીના ધક્કા ખાવા પડી શકે છે અથવા તમારું કાર્ડ હંમેશા માટે ભૂલભરેલું રહી શકે છે. આથી, આધારમાં કોઈપણ ફેરફાર કરાવતા પહેલા તેના નિયમો વિશે ઊંડાણપૂર્વક જાણી લેવું અત્યંત જરૂરી છે.
જન્મતારીખ અને લિંગ: જીવનમાં મળશે માત્ર એક જ તક
આધાર કાર્ડમાં સૌથી વધુ વિવાદ જન્મતારીખને લઈને થતા હોય છે. UIDAI ના નિયમો મુજબ:
જન્મતારીખ (DOB): તમે તમારા આખા જીવનકાળ દરમિયાન આધારમાં જન્મતારીખ માત્ર એક જ વાર સુધારી શકો છો. આ માટે તમારે પાસપોર્ટ અથવા અધિકૃત જન્મ પ્રમાણપત્ર જેવા મજબૂત પુરાવા આપવા પડે છે.
લિંગ (Gender): તેવી જ રીતે, લિંગની વિગતમાં જો ભૂલ હોય તો તેને પણ જીવનમાં માત્ર એક જ વાર બદલવાની મંજૂરી મળે છે. આ માટે મેડિકલ અથવા કાનૂની દસ્તાવેજો રજૂ કરવા અનિવાર્ય છે.
નામમાં સુધારો: બે વારની મર્યાદા
નામમાં સ્પેલિંગની ભૂલ કે અટકમાં ફેરફાર કરવા માટે UIDAI થોડી વધુ છૂટછાટ આપે છે, પરંતુ તે પણ મર્યાદિત છે:
નામ (Name): તમે તમારા નામમાં સુધારો જીવનમાં વધુમાં વધુ 2 વાર કરી શકો છો. જો લગ્ન બાદ મહિલાઓએ નામ બદલાવવું હોય અથવા સ્પેલિંગ સુધારવો હોય, તો આ બે તકનો જ ઉપયોગ કરવાનો રહે છે. જો તમે ત્રીજી વાર પ્રયત્ન કરશો તો ઓનલાઇન પોર્ટલ તમારી વિનંતી સ્વીકારશે નહીં.
સરનામું અને મોબાઈલ નંબરનું શું?
રાહતની વાત એ છે કે, રહેઠાણનું સરનામું (Address) અને મોબાઈલ નંબર બદલવા માટે કોઈ કડક મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે જ્યારે પણ ઘર બદલો ત્યારે દસ્તાવેજો સાથે સરનામું અપડેટ કરાવી શકો છો. તેમજ બાયોમેટ્રિક વિગતો (ફોટો, ફિંગરપ્રિન્ટ) પણ જરૂરિયાત મુજબ અપડેટ કરી શકાય છે.
ભૂલ ટાળવા માટે શું કરવું?
જ્યારે પણ તમે આધાર કેન્દ્ર (Aadhaar Seva Kendra) પર સુધારો કરાવવા જાવ, ત્યારે ઓપરેટર દ્વારા એન્ટર કરવામાં આવેલી વિગતોને બે વાર ચેક કરો. ફોર્મ સબમિટ કરતા પહેલા ખાતરી કરો કે કોઈ ટાઇપિંગ ભૂલ નથી રહી ગઈ, કારણ કે તમારી એક નાની ભૂલ તમારી એક કિંમતી તક છીનવી શકે છે.




















